કચ્છી રોક સોંગ સાથે વિશ્વના સૌથી લાંબા કચ્છી સાહિત્ય સંગીત પર્વનો થશે પ્રારંભ
વિશ્વના સૌથી લાંબા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ તરીકે પ્રસિદ્ધ ‘કચ્છી મિજાજ’ ના પ્રથમ સીઝનની ભવ્ય સફળતા બાદ હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી દ્વારા કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ ના વૈશ્વિક લોન્ચ સાથે આ ઉત્સવના દ્વિતીય સીઝનના પ્રારંભની જાહેરાત કરવામાં આવી. કચ્છી સાહિત્ય સંગીત પર્વના થીમ સોંગ તરીકે આ ગીતને કૃપ મ્યૂઝિક ૭ મી જૂન એ બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરશે. જે વિશ્વ સ્તરે કચ્છીઓને જોડતી કડી બનશે.
‘કચ્છી મિજાજ’ ગીત બનશે કચ્છીયતનો પર્યાય
ગુજરાતના જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા નિર્મિત આ ગીતમાં તેમની સાથે વિશ્વનો યંગેસ્ટ સિંગર તરીકે ઓળખાતો કચ્છી બાળ કલાકાર પર્વ ઠક્કર અને બાળ ગાયિકા વાચા ઠક્કરના કંઠની કલાકારી પણ જોવા મળશે. તો આ ગીતના વિડીયોમાં દિગ્દર્શક તરીકે ડો. કૃપેશ એ માંડવીનો દરિયા કિનારો, ભુજિયો ડુંગર, સુતેશ્વર મંદિર, રામ કુંડ, ગોવર્ધન પર્વત તેમજ અંજારની ભવ્ય રથયાત્રાના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડાર્યા છે. આ ગીત વિશે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “કચ્છી મિજાજ ગીતના એક એક શબ્દમાં આપણી કચ્છીયત છલકે છે. જેમાં ભાતીગળ કચ્છી ભાષાને મોર્ડન સંગીત સાથે રજૂ કરવાનો નવતર પ્રયોગ થયેલો છે. કચ્છી સાહિત્ય સંગીત પર્વ મારફતે આપણી ભાષાને સંગીત થકી દુનિયાના દરેક ખૂણે વસતા આપણા કચ્છી ભાઈ બહેનો સુધી પહોંચાડવાનો આ અમારો પ્રયાસ છે.” તો ઉત્સવ વિષે વાત કરતા ફેસ્ટીવલ ડાયરેક્ટર ડો. પૂજા ઠક્કર એ જણાવ્યું કે “અષાઢી બીજ પર્વ નિમિતે ઉજવાઈ રહેલા આ દસ દિવસીય ઉત્સવ દરમિયાન વિવિધ શહેરોમાં કવિ સંમેલન, પુસ્તક વિમોચન, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શાળા કોલેજોમાં કચ્છી પરીક્ષા, વર્કશોપ અને સેમિનાર જેવી પ્રવૃતિઓ પણ થશે. તો કચ્છી કલાકારોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાના પ્રયાસો હાથ ધરાશે.” સંસ્થાના ટ્રસ્ટી ડો. શશીકાંત ઠક્કર એ કહ્યું કે “આ વર્ષે કચ્છની ભાષા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિની વંદના કરવા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના પ્રતિનિધિઓ પણ કચ્છી મિજાજમાં જોડાશે. હવેથી દર વખતે કચ્છી નવા વર્ષ નિમિત્તે આ ઉત્સવ ઉજવવામાં આવશે.” વધુમાં સાહિત્યની સેવા કરવા માટે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર દ્વારા કચ્છી પુસ્તકો સંસ્થા અંતર્ગત પ્રકાશિત કરવા માટે પચ્ચીસ હજાર સુધીની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી. જેનો લાભ કચ્છી ભાષા અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી સીઝન વખતે પણ દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અંજાર, માધાપર, ભુજ અને માંડવીમાં કવિ સંમેલન યોજાયા હતા. તો કવિઓ અને સાહિત્યકારોના દસ થી વધુ પુસ્તકોનું વિમોચન થયું હતું. નામી સાહિત્યકારો, કલાકારો તથા મસ્કત ગુજરાતી સમાજ સહિત વિવિધ સંસ્થાઓ એ પણ પ્રશસ્તિ પત્ર આપી કચ્છી મિજાજની સરાહના કરી હતી.