મ્યુઝિક, ફિલ્મ પ્રોડક્શન, મ્યુઝિક થેરાપી અને ભગવદ્ ગીતાના કોર્સને કચ્છ યુનિવર્સિટીની સૈદ્ધાંતિક મંજૂરી
કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ ગિવ વાચા ફાઉન્ડેશન સંચાલિત કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક, કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર તથા કૃપ ગુરુકુલના ૧૫ થી પણ વધુ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં આ સત્ર થી વિવિધ ક્ષેત્રોના કૌશલ્યવર્ધક ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થશે. આ પૈકી નોંધપાત્ર કોર્સમાં ફિલ્મ મેકિંગ, મ્યુઝિક પ્રોડક્શન ટેક્નિકસ, એન્ટરટેઇનમેન્ટ (ફિલ્મ, ટીવી, મીડિયા, રેડિયો), ગિટાર વાદન, કીબોર્ડ વાદન, ગાયન, લેખન, મ્યુઝિક થેરાપી, આયુર્વેદ તેમજ ભગવદ્ ગીતાના જીવનલક્ષી કોર્સ નો સમાવેશ થાય છે. આ તમામ કોર્સ છ માસ તેમજ એક વર્ષની અવધિના છે.
કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છના યુવાનો માટે તાલીમ અને કારકિર્દીના મેળવવાના દ્વાર ખૂલ્યા!
હાલમાં કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છ યુનિ. ના વાઇસ ચાન્સેલર શ્રી મોહનભાઈ પટેલ અને ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ અને ફિલ્મ કંપનીના પ્રણેતા તથા ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી ગીતકાર, સંગીતકાર, ગાયક, દિગ્દર્શક, બેસ્ટ સેલર લેખક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કરની ઉપરોક્ત કોર્સની મંજૂરી બાબતે મુલાકાત થઈ હતી. જેમાં રજીસ્ટ્રાર ડૉ. અનિલભાઈ ગોર તથા ડીપાર્ટમેન્ટ ઓફ વેકેશનના પ્રાધ્યાપક ડૉ. રૂપલબેન દેસાઇ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મોહનભાઈ એ કહ્યું કે “સંગીત અને ફિલ્મ જગતમાં સ્કિલ બેસ્ડ તાલીમ અને ભણતર માટે વિદ્યાર્થીઓને કચ્છથી બહાર જવું પડે છે. ત્યારે આ કોર્સ થકી યુવાપેઢી કચ્છના આંગણે કૌશલ્યોની તાલીમ મેળવી સર્જનાત્મક ક્ષેત્રે પ્રગતિ કરી શકશે.”

ગુજરાતનો સૌ પ્રથમ મ્યુઝિક પ્રોડક્શન કોર્સ શૂરુ થશે કચ્છમાં!
ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ૧૮ થી વધુ ફિલ્મોમાં કામ કરેલું છે. તેમજ તેમના ૧૦૦ થી પણ વધુ ગીતો વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તેમણે એક એવોર્ડ વિનિંગ ફીચર ફિલ્મ, વેબ સીરિઝ તેમજ ૨૫ થી વધુ મ્યુઝિક વિડીયો બનાવ્યા છે. કોર્સ ડિઝાઇનર તરીકે ડૉ. કૃપેશ એ ફિલ્મ અને સંગીત ક્ષેત્રના પોતાના અનુભવોને આધારે કહ્યું કે “ગુજરાતી ફિલ્મ જગત અને બોલીવુડમાં દસ વર્ષ કામ કર્યા બાદ હવે માતૃભૂમિ કચ્છની સેવા કરવા અને આ ક્ષેત્રે કચ્છના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપવા મારા અનુભવોને આધારે બધા કોર્સ તૈયાર કરેલ છે. તેમજ મ્યુઝિક પ્રોડક્શનના અદ્યતન ટેકનોલોજીનો કોર્સ ગુજરાતમાં સર્વ પ્રથમ કચ્છ યુનિ. થકી શરૂ થશે એ વાતનો મને ગૌરવ છે.”
સંગીત અને સ્વાસ્થયનું સમન્વય શીખવશે મ્યુઝિક થેરાપી!
ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કરએ મ્યુઝિક થેરાપી તેમજ આયુર્વેદ આધારિત કોર્સ વિશે વાત કરતાં કહ્યું કે “સંગીત અને સ્વાસ્થ્યનું સમન્વય સાધીને ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કર વિદ્યાર્થીઓને મ્યુઝિક થેરાપીના વિવિધ કોર્સ થકી આરોગ્ય જાળવવાની તાલીમ આપશે. એ યુવાનો માટે વ્યક્તિગત અને પારિવારિક સ્તરે ઉપયોગી થશે. તો ઘરેલુ આયુર્વેદિક ઉપચારની તાલીમ થકી રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા વિદ્યાર્થીઓ સક્ષમ થશે.” આ કોર્સ કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત તૈયાર થયેલા છે. જેને કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂરી મળેલ છે.
જીવનમાં તણાવમુક્તિ અને વ્યાપાર કુશળતા શીખવશે ભગવદ્ ગીતાના કોર્સ!
કૃપ ગુરુકુલ અંતર્ગત શ્રીમદ્ ભગવદ ગીતાના મૂલ્ય લક્ષી શિક્ષણ આપતા વિવિધ કોર્સ ભગવદ ગીતા એમ્બેસેડર ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ડૉ. કૃપેશ તેમના ગીતા આધારિત બેસ્ટ સેલર પુસ્તકો માટે પ્રખ્યાત છે. ત્યારે આ બાબતે આયુર્વેદ ડૉક્ટર, હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા એ જણાવ્યું કે “શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવનલક્ષી કોર્સ થકી વિદ્યાર્થીઓને તણાવમુક્ત સ્વસ્થ જીવન જીવવાની તાલીમ મળશે. તેમજ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ગીતાના રહસ્યો વ્યાપાર ક્ષેત્રે સફળતાની ચાવી રૂપ પુરવાર થશે.”
કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક: જ્યાં વિદ્યાર્થી બને છે કલાકાર!
ગિવ વાચા ફાઉન્ડેશન તથા ગુજરતીની પ્રખ્યાત રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક દ્વારા સંચાલિત કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક અંતર્ગત ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, લિટરેચર અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રના અનેકવિધ કોર્સ થાય છે. જેમાં સંલગ્ન ક્ષેત્રના દિગ્ગજો પાસેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તાલીમ તેમજ ડાયરેક્ટ લોન્ચિંગ તથા કરિયર અને જોબના વિકલ્પો પણ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ એકેડેમી અંતર્ગત તાલીમ પામેલા કલાકારોએ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. સામાન્ય રીતે કૃપ એકેડેમીમાં અઢળક ફિલ્મો અને સુપરહિટ ગીતોમાં કામ કરેલ દિગ્ગજો તથા બેસ્ટ સેલર પુસ્તકના લેખકો પોતે કલાકારોને તાલીમ આપતા હોય છે. ત્યારે કચ્છના યુવાનોને પણ સુવર્ણ તક મળી રહેશે.