શારદીય નવરાત્રી પ્રારંભ | નવરાત્રીના વિધિ-વિધાન, મહત્વ, મહિમા અને કથા | પર્વની પાઠશાળા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
ભારતીય સંસ્કૃતિના પ્રમુખ તહેવારો માંથી એક છે ‘નવરાત્રી’. સંસ્કૃતિ અને ધાર્મિકતાને રંગે ચંગે ઉજવતો આ તહેવાર સામાન્ય રીતે વર્ષમાં ચાર વખત આવે છે. ચૈત્ર નવરાત્રી, શારદીય નવરાત્રી અને બે ગુપ્ત નોરતા. પર્વની પાઠશાળામાં આજે આપણે શારદીય નવરાત્રી વિષે જાણીશું. આ નવરાત્રી પિતૃપક્ષ પૂર્ણ થયા પછી તરત આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એ એટલે કે આ વર્ષે 3 જી ઓક્ટોબરે શરૂ થાય છે. જે 11 ઑક્ટોબર એમ નવ દિવસ સુધી દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની વંદના સાથે ઉજવાશે અને 12મી ઓક્ટોબર, દસમનો દિવસ ‘વિજયા દશમી’ એટલે કે ‘દશેરા’ તરીકે ઉજવાશે.

કેવી રીતે ઉજવાય છે નવરાત્રી?
નવરાત્રી ભારતના અલગ અલગ પ્રાંતોમાં વિવિધ રીતે ઉજવાતી જોવા મળે છે. જેમાં બંગાળ, ગોવા અને કેરળ જેવા રાજ્યોમાં દુર્ગા માતાની મોટી સુંદર મૂર્તિની સ્થાપના અને ખાસ મહિષાસુર મર્દિની સ્વરૂપની પૂજા થાય છે. તેમજ ‘વિજયા દશમી’ રાવણના પૂતળાના દહન સાથે ઉજવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં નવરાત્રીમાં માતાજીની ઉપાસનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ ભક્તિ સાથે ગરબા રમવાનું છે. ગરબા સાથે નવરાત્રી ઉજવવાનું આ ચલણ વિદેશમાં વસતા ગુજરાતી લોકો એ પણ જાળવી રાખ્યું છે.

નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂરા ઘરની સફાઈ કરી ઘરના મુખ્ય દ્વારે આંબાના પાંદડાના તોરણ બંધાય છે. ઘરના મંદિરને ગંગાજળ છાંટવામાં આવે છે. ત્યારબાદ બાજોઠ પર માતાજીની મૂર્તિ, છબી કે પ્રતિકની સ્નાન, અભિષેક અને પૂજા કરી કંકુ, લાલ ચંદન, લાલ ચુંદડી, અને શ્રુંગાર સહિત સ્થાપના કરાય છે.
/newsnation-english/media/post_attachments/photos/2017/09/21/2490_kalash_2500.jpeg)
કેવી રીતે થાય કળશ સ્થાપન?
કળશ સ્થાપન કે ઘટ સ્થાપન નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડ માં રહેલી શક્તિનું કળશ માં આહ્વાન થાય છે જેથી ઘરમાં ની નકારાત્મક ઉર્જા અને વસ્તુ દોષ દૂર થાય છે. ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશાએ કળશ સ્થાપન થાય છે. જેના માટે માટીના વાસણમાં જવ કે ઘઉં વાવી તેના પર શુદ્ધ પાણી અને ગંગાજળ ભરેલો કળશ મૂકવામાં આવે છે. એ કળશમાં અક્ષત, દૂર્વા અને સોપારી ઉમેરવામાં આવે છે. કળશને ચાંદલો કરી, નાડાછડી બાંધી તેના પર સૂકું નારિયેળ રખાય છે. એ નારિયેળને પણ નાડાછડી બાંધીને રખાય છે. એવું માનવામાં આવે છે કે જેટલા જવારા જલ્દી અને વધુ ફૂટે એટલી જ સમૃદ્ધિ જલ્દી અને અઢળક મળે છે.
હિન્દુ ધર્મમાં કળશ ને ત્રિગુણાત્મક શક્તિનું પ્રતિક કહ્યું છે. તેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા મધ્ય ભાગમાં આદિ શક્તિનો વ્યાસ હોય છે. તેથી કળશ સ્થાપનથી સર્વે દેવ-દેવોની પણ આરાધના થાય છે અને તેઓ આપણી પૂજા અને વ્રતના સાક્ષી બને છે.

ગરબા વિષે આટલું જાણો:
કળશ સ્થાપન સાથે ગરબા અને અખંડ જ્યોત રાખવું પણ વિશેષ શુભ ફળ આપનારું મનાય છે. માટીનું બનેલું સુંદર રંગબિરંગી કાણા વાળો ઘડો એટલે ‘ગર્ભદીપ’ કે જે અપભ્રંશ થતા ‘ગરબો’ કહેવાયો. ગરબો એ પૃથ્વી અને આપણાં શરીરનું પ્રતિક છે. તેના ગર્ભ એટલે કે મધ્ય ભાગમાં રાખેલો દીવો એ પૃથ્વીના ગર્ભમાં રહેલી શક્તિ તત્વ અને આપણી અંદર રહેલી ચેતનાનું પ્રતિક છે. નવરાત્રી દરમિયાન સૌ પોતાના ઘરે ગરબાની સ્થપના પણ કરે છે. માટીના ગરબાને સુંદર રંગોથી શણગારી નાનકડા બજોઠ પર મગની ઢગલી કરી રાખવામાં આવે છે. તેના અંદર પણ મગ મૂકી દીવો રખાય છે.
આ ઉપરાંત ગરબાને માથે લઈ રાસ રમવાનો ચલણ પણ જોવા મળે છે. તો વળી કુમારીકાઓ મથે ઘરબો લઈને ઘરે ઘરે ગીત ગાવા પણ જાય છે. તેમને માતાજીનું જ સ્વરૂપ માની લોકો દાન અને દક્ષિણા આપે છે.

કુમારિકા (કન્યા) પૂજન કેમ કરવું?
નવરાત્રીના નવ દિવસો દરમિયાન કુમારિકા પૂજનની અનેરી મહિમા આપણા શાસ્ત્રોમાં કહી છે. સનાતન ધર્મમાં કુમારિકાને સાક્ષાત દેવી સ્વરૂપ માનવામાં આવે છે. તેથી નવરાત્રીમાં માતાજીને વિશેષ ભક્તિ અર્પિત કરવા કુમારિકાનું કંકુ, અક્ષત અને આરતીની થાળી સાથે પૂજન થાય છે. તેમના જમણા પગને કંકુ ચોખાથી વધાવી ‘પદ પ્રક્ષાલન’ એટલે કે પગ ધોવામાં આવે છે. તેમને ભાવભર્યું ભોજન કરાવી યથાશક્તિ દાન-દક્ષિણા સાથે ભેટ અપાય છે. જેમાં સામાન્ય રીતે શૃંગારની વસ્તુઓ જેવી કે ચૂડી, ચાંદલો, કંકુ, ચુંદડી સાથે દીવા સહિતનો ગરબો વગેરે અપાય છે. તેમજ વસ્ત્રો અને તેને અનુરૂપ અલંકાર એટલે કે જવેલેરી ભેટ આપવાનું ચલણ પણ જોવા મળે છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજન કરવાથી માતાજી વિશેષ પ્રસન્ન થાય છે.

ગરબા અને દાંડિયા રાસ!
આ નવ દિવસો દરમિયાન રોજ માતાજીની પૂજા, આરતી અને પ્રસાદ થાય છે. પૂરો પરિવાર સાથે મળીને ‘વિશ્વંભરી સ્તુતિ’ તથા ‘જય આદ્યશક્તિ’ ગાઈને આરતી કરે છે. તો ‘દુર્ગા સપ્તસતી’, ‘શ્રી દેવી સૂક્ત’ અને ‘શક્રાદય સ્તુતિ’ ગાવાનો પણ વિશેષ મહિમા છે. રોજ રાત્રે બધા લોકો સાથે મળીને નજીકના ચોકમાં, મંદિરના પ્રાંગણમાં કે સમાજવાડીઓ અને સ્થાનિક પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં નાના-મોટા પાયે ગરબા અને દાંડિયારાસનું કાર્યક્રમ રાખે છે. સમૂહમાં આરતી કરી પ્રસાદ અને ગરબા રમવાનો લ્હાવો માણે છે. ગરબા અને દાંડિયા રસ એ માતાજી પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ છે. તથા આ અભિવ્યક્તિમાં કૃષ્ણ અને ગોપીઓ જેવો ભક્તિ ભાવ પણ રહેલો છે.
નવરાત્રીની કથા : મહિષાસુર વધ
નવરાત્રી અંગે વિવિધ પુરાણોમાં વિવિધ કથાઓ જોવા મળે છે. એક પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. ઘોર તપસ્યાને પરિણામે તેને એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિથી મૃત્યુ ન પામી શકે. વરદાન મેળવ્યા બાદ અહંકારથી ચૂર થઈ તેણે ત્રણે લોકમાં હાહાકાર મચાવી દીધો. તેણે દેવોને હરાવીને ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યાર બાદ મહિષાસુર એ વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ થતાં દેવોએ ભગવાન શિવ અને વિષ્ણુ પાસે સહાયતા માંગી. તેમના કહ્યા પ્રમાણે સૌ એ માતા આદિ શક્તિની આરાધના કરી. પ્રસન્ન થઈને માતા એ તેમની સમસ્યાનું સમાધાન કરવા દુર્ગા રૂપ ધારણ કર્યું. અષ્ટભુજા, અનેક અસ્ત્ર-શસ્ત્ર અને અપાર શક્તિ સાથે માતા એ નવ દિવસ સુધી મહિષાસૂર સાથે યુદ્ધ કર્યું. દસમા દિવસે તેનો સંહાર થયો. તેથી દેવી મહિષાસુર મર્દિની નામે ઓળખાયા. ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો, જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.

માતાના નવ સ્વરૂપોની કથા..
આપણા વિવિધ પુરાણોમાં નવરાત્રીનું મહત્વ, તેના વિધિ વિધાન અને તેની કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે. નવરાત્રી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપનારી તથા નકારાત્મક તત્વોને દૂર કરી વિજય અપાવનારી છે. આદિ શક્તિની આરાધના મનોવાંછિત ફળ આપનારી છે. માતા સૌ ભક્તોના કષ્ટો દૂર કરી મંગળ કરે એવી મહિમા છે નવરાત્રીની! નવરાત્રિના પ્રથમ દિવસથી ક્રમશઃ માતા શૈલપુત્રી, માતા બ્રહ્મચારિણી, માતા ચંદ્રઘંટા, માતા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, માતા કાલરાત્રિ, માતા મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાની પૂજા અને આરાધના થાય છે.
મા શૈલપુત્રી
કથા મુજબ મહાદેવ અને સતીના લગ્ન પછી દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું હતું. બધા દેવતાઓને આમંત્રિત કર્યા પછી, તેણે ક્રોધમાં પોતાની પુત્રી સતી અને મહાદેવને બોલાવ્યા નહીં. આ પછી પણ જ્યારે સતી યજ્ઞમાં આવ્યા ત્યારે પિતા દક્ષે મહાદેવનું અપમાન કર્યું. આનાથી ક્રોધિત થઈને સતીએ યોગની અગ્નિથી પોતાની જાતને બાળીને રાખ કરી લીધી. આ પછી મહાદેવને મળવા માટે તેમનો ફરીથી જન્મ થયો. પર્વત રાજા હિમાલયની તપસ્યાથી માતા પ્રસન્ન થયા અને તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લીધો. એટલે ‘શૈલપુત્રી’ કહેવાયા. એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં કળશ સાથે તેઓ વૃષભદેવની સવારી કરે છે તથા હિમાલય અને કૈલાશમાં રહે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતાને સફેદ રંગ પ્રિય હોતા સફેદ વસ્તુઓ જેમ કે સફેદ ફૂલ, સફેદ ફળ, સફેદ વસ્ત્રો અર્પણ કરવા અને પ્રસાદમાં સફેદ વસ્તુ બનવવાનો ચલણ જોવા મળે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.
માતા બ્રહ્મચારિણી
‘બ્રહ્મ’ એટલે ‘તપ’ અને ‘ચારિણી’ એટલે આચરણ કરનારી, આમ માતાનું પ્રથમ સ્વરૂપ ‘તપસ્વિની’ નું હોતા તેઓ ‘બ્રહ્મચારિણી’ નામે ઓળખાયા. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માતાએ વર્ષો સુધી તપસ્યા કરી હતી. તેમનું આ દ્રિતીય સ્વરૂપ નવરાત્રીના બીજા દિવસે પૂજવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીની ના હાથોમાં માળા અને કમંડળ હોય છે. તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી જ્ઞાન, સદાચાર, એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ મળે છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પથથી ભટકતો નથી. માતા બ્રહ્મચારિણીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પણ પ્રાપ્ત થાય છે.
માતા ચંદ્રઘંટા
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. તેમનો સુવર્ણ જેવો ઝળહળતો રંગ છે. તેમણે મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર એટલેકે અર્ધચંદ્ર ધારણ કર્યું હોવાથી તેઓ ‘ચંદ્રઘંટા નામે ઓળખાય છે. કહેવાય છે કે માતા પાર્વતીના મહાદેવ સાથે વિવાહ થયા બાદ તેમણે ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું હતું. તેમની દસ ભુજાઓ છે જેમાં તેમણે અસ્ત્ર-શસ્ત્ર ધારણ કર્યા છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને માથે રત્નજડિત મુગટ પહેર્યા છે. ચંદ્રઘંટા માતાની પૂજા કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધે છે. તેમજ આપણું સ્વર દિવ્ય અને મધુર થાય છે.
માતા કુષ્માંડા
માતા કુષ્માંડા દેવી આદિ શક્તિનો રૂપ છે. તેમની નવરાત્રીના ચોથે દિવસે પૂજા કરવામાં આવે છે. કહેવાયું છે કે જ્યારે બ્રહ્માંડ માં કઈં પણ ન હતું, ફક્ત અંધકાર હતો ત્યારે માતાના માંડ હાસ્ય કરવા માત્રથી બ્રહ્માંડ નો જન્મ થયો. માતા કુષ્માંડા સુર્ય જેવા તેજસ્વી છે અને સૌરમંડળ માં રહે છે. માન્યતા પ્રમાણે માતાને નારંગી રંગ ખૂબ જ પ્રિય છે. તેથી માતા કુષ્માંડાની પૂજા નારંગી રંગના કપડા પહેરીને અથવા નારંગી રંગની વસ્તુઓ, ફળ, પુષ્પ, ચંદન, કુમકુમ, અક્ષત વગેરે અપર્ણ કરવા જોઈએ. માતા કુષ્માંડાની પૂજામાં તેમને લવિંગ, એલચી, વરિયાળી, કુમ્હડા એટલેકે પેઠા અર્પિત કરવું. મા કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેમની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે.
મા સ્કંદમાતા
નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા થાય છે. ‘સ્કંદ’ અર્થાત કુમાર કાર્તિકેય, જે મહાદેવના પુત્ર છે. પુરાણો અનુસાર દેવો અને અસૂરો વચ્ચે એક સમય ઘોર યુદ્ધ થયું હેતુ. જેમાં કુમાર કાર્તિકેય દેવોના સેનાપતિ હતા. તેમની માતાનું સ્વરૂપ એટલે ‘મા સ્કંદમાતા’. તેમને ચાર હાથ છે, જેમાં તેમણે એક હાથ થી કુમાર કાર્તિકેયને તેડયું છે, બીજો હાથ અભય મુદ્રામાં છે, ત્રીજા હાથમાં સફેદ કમળ અને ચોથા હાથમાં કમળનો હાર છે. તેમનો વાહન સિંહ છે અને તેઓ કમળ પુષ્પ પર પદ્માસન મુદ્રામાં વિરાજમાન છે. તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.
માતા કાત્યાયની
માતા કાત્યાયની પૂજા છઠ્ઠા નોરતે થાય છે. શાક્ત સંપ્રદાય માં તેમણે દુર્ગા, ભદ્રકાલી, ગૌરી અને ચંડિકા એમ અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. માતા કાત્યાયની આદિ શક્તિનું એ રૌદ્ર સ્વરૂપ છે જેમણે અસૂરોનું વધ કર્યું હતું. તેમની કથાઓનો ઉલ્લેખ સસૌથી પહેલા યજુર્વેદના ‘તૈતરીય આરણ્યક’ માં થયો હતો. આ ઉપરાંત તેમના વિષેની માહિતી ‘સ્કંદ પુરાણ’, ‘દેવી ભાગવત પુરાણ’ અને ‘માર્કંડેય પુરાણ’ માં પણ જોવા મળે છે. તેમની ભક્તિથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મોજનમના પાપ પણ નષ્ટ થઈ જાય છે.
કાત્ય ગોત્રના મહર્ષિ કાત્યાયને ‘પુત્રી’ ની પ્રાપ્તિ માટે કઠિન તપસ્યા કરી હતી. જેથી દેવી આદિ શક્તિએ તેમની પુત્રી બની અવતર્યા. એટલા માટે તેઓ ‘કાત્યાયની’ કહેવાયા. તેમના ગુણ શોધકાર્ય કરવાનું છે. તેમની કૃપાથી બધા કામ પૂરાં થઈ જાય છે. તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી. માતા કાત્યાયની અમોઘ ફળદાયીની છે. ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓને કાત્યાયની માતાની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદ્રી યમુનાના કિનારે કરવામાં આવી હતી. એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી પણ કહ્યા છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમની ચાર ભુજાઓ છે. એક હાથ અભયમુદ્રામાં છે અને બીજો વરમુદ્રામાં. ત્રીજા હાથમાં તલવાર છે અને ચોથા હાથમાં કમળનું ફૂલ છે. માતા કાત્યાયનીની પૂજા થી ભક્તોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે.
માતા કાલરાત્રિ
નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિની આરાધના થાય છે. કથા અનુસાર શુંભ-નીશુંભ નામના અસૂરો અને તેમની સેના ને જોઈને માતા એટલા ક્રોધિત થયા હતા કે તેમના શરીરનો રંગ કાળો થઈ ગયો. બધા જ અસૂરોનો કાળ બની તેમનો વધ કર્યો હોવાથી તેઓ ‘કાલરાત્રિ’ નામે ઓળખાયા. માતા કાલરાત્રિ એ અસુરરાજ રકતબીજ ને મારનાર મહાકાળીનું જ એક સ્વરૂપ છે એવું મહાભારત માં પણ કહેવામાં આવ્યું છે. તેમને ત્રણ નેત્રો છે, ગળામાં વિદ્યુતની અદભૂત માળા છે. તેમનાં હાથમાં ખડગ અને કાંટા છે. તેમજ તેમનું વાહન ગધેડો છે. પણ તે ભક્તોનું હમેશાં કલ્યાણ કરતાં હોવાથી તેમણે શુભંકરી પણ કહેવાયા છે. તેમની પૂજાથી ગ્રહોના અવરોધો અને આકસ્મિક સંકટ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી ભૂત, પ્રેત, પિશાચ જેવી નકારત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે. તથા વ્યક્તિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.
માતા મહાગૌરી
નવરાત્રીના આઠમાં દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે. અગાઉ વાત થઈ એમ જ્યારે માતા પાર્વતી એ મહાદેવને પામવા માટે ઘોર તપસ્યા કરી હતી ત્યારે તેમનું રંગ કાળું થઈ ગયું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે મહાદેવ એ તેમણે દર્શન આપ્યા ત્યારે તેમણે ‘ગૌર’ વર્ણનો વરદાન મળ્યો. તેઓ ફરી સુંદર અને સ્વરૂપવાન થઈ ગયા અને ‘મહાગૌરી’ નામે ઓળખાયા. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે. દેવીનો ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે. એટલે તે ‘વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી મનગમતો જીવનસાથી મળે છે તથા વૈવાહિક જીવનમાં પણ સુખ અને શાંતિ મળી રહી છે.
માતા સિદ્ધિદાત્રી
નવરાત્રીના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. તેઓ કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના હાથમાં ગદા, ચક્ર, શંખ અને કમળનું ફૂલ છે. માર્કંડેય પુરાણ અનુસાર આદિ શક્તિના આ રૂપની પૂજા કરવાથી અણીમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશીત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ મળે છે. એટલે તેમણે ‘સિદ્ધિદાત્રી’ કહ્યા છે. એટલું જ નહીં પણ દેવી પુરાણ અનુસાર ભગવાન મહાદેવ એ એમની મદદ થી જ ‘અર્ધ નારેશ્વર’ સ્વરૂપ ધારણ કર્યું હતું. માન્યતા અનુસાર, માતા સિદ્ધિદાત્રી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમને ખ્યાતિ, શક્તિ અને સંપત્તિ પણ આપે છે. શાસ્ત્રોમાં માતા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે.
વિજયાદશમી – દશેરાનું મહત્વ અને કથા
કેવી રીતે ઉજવાય છે દશેરા?
આસો મહિનાની શુક્લ પક્ષની દસમી તિથીએ સમગ્ર ભારતમાં ધામધૂમથી વિજયાદશમી એટલે કે ‘દશેરા’ ઉજવાય છે. આ તહેવાર સનાતન સંસ્કૃતિની આસ્થાનું પ્રતિક છે. અધર્મનો નાશ અને ધર્મનું વિજય ઉજવવા માટે ગામડાઓ અને શહેરોમાં સ્થાનિક સ્તરે બધા જ હિન્દુઓ એકત્ર થાય છે. સમૂહમાં મોટા મેદાન વચ્ચે રાવણ અને મેઘનાથના ઘાસથી બનાવેલા પૂતળાઓ રખાય છે. ભગવાન શ્રી રામને યાદ કરીને રામવેશમાં લોકો તીરબાણ વડે પૂતળાઓનું દહન કરી ધર્મની વિજય ઉજવે છે. નાના મોટા પાયે લોકમેળાઓ યોજાય છે અને સૌ સાથે મળીને ઉત્સવ ઉજવે છે. દશેરાના દિવસે ભગવાન રામની પૂજા થાય છે. ગુજરાતીઓમાં ખાસ કરીને ‘જલેબી ફાફડા’ નો પ્રસાદ રાખવાનો ચલણ જોવા મળે છે.

ભગવાન રામની સ્તુતિ: રઘુપતિ રાઘવ રાજા રામ

દશેરાની કથા: રામ રાવણ યુદ્ધ
ભગવાન રામના વનવાસ દરમિયાન લંકાપતિ અને અસૂરોના રાજા રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું. તેમને બચાવવા ભગવાન રામ, ભાઈ લક્ષમણ, હનુમાન અને સમસ્ત વનરસેના લઈને લંકા પર ચડાઈ કરી. બન્ને બાજુએ ભયંકર યુદ્ધ ચાલ્યું. એક પછી એક રાવણના સૈનિકો મૃત્યુ પામ્યા. છેવટે કુમ્ભકર્ણ પણ રામને હાથે હણાયો. રાવણનો જ્યેષ્ઠ પુત્ર ઈન્દ્રજિત, જે અજેય ગણાતો હતો, અને બાર વર્ષ જાગરણ કરી બ્રહ્મચર્ય પાળનાર પુરુષ જ એને મારી શકે એવું એણે વરદાન મેળવ્યું હતું, પણ તે લક્ષ્મણને હાથે માર્યો ગયો. અંતે રાવણને લડાઇમાં ઉતરવું પડ્યું. એણે એક તીક્ષ્ણ શક્તિ લક્ષ્મણના ઉપર ફેંકી. તે એની છાતીમાં પેસી ગઇ અને એ મૂર્છા ખાઈ પડ્યો. આથી રામ બહુ હતાશ થયા. પણ હનુમાનના પરાક્રમથી સંજીવની નામે ઔષધિથી તેનું શલ્ય નીકળી ગયું, અને પાછો સચેત થયો. લક્ષ્મણ ને પુનઃ સ્વસ્થ જોઈ રાવણનો ક્રોધ વધ્યો. તેથી એ વળી પાછો રામની સામે લડવા આવી ઉભો. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. બરોબર દસમાં દિવસે છેવટે રાવણની નાભિમાં રામે એક દિવ્ય બાણ માર્યું, અને તેની સાથે જ રાવણનું મૃત્યુ થયું. ભગવાન રામનો વિજય એ ધર્મનો વિજય હતો અને રાવણની હાર એ અધર્મની હાર હતી. ત્યારે પણ ત્રણે લોક માં ઉત્સવ ઉજવાયો. આજે પણ આ કથાને યાદ કરીને સૌ લોકો દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવે છે.
નવરાત્રી વિષે આટલું જાણો:
શારદીય નવરાત્રી ક્યારે છે?
શારદીય નવરાત્રી આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એ એટલે કે આ વર્ષે 3 જી ઓક્ટોબરે શરૂ થાય છે.
નવરાત્રી કેટલા દિવસ છે?
નવરાત્રી નવ દિવસની હોય છે.
નવરાત્રીમાં માતાજીની સ્થાપના કેમ કરવી?
નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘરના મંદિરને ગંગાજળ છાંટવામાં આવે છે. ત્યારબાદ બાજોઠ પર માતાજીની મૂર્તિ, છબી કે પ્રતિકની સ્નાન, અભિષેક અને પૂજા કરી કંકુ, લાલ ચંદન, લાલ ચુંદડી, અને શ્રુંગાર સહિત સ્થાપના કરાય છે.
નવરાત્રીમાં કળશ સ્થાપન કેમ કરવું?
ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશાએ કળશ સ્થાપન થાય છે. જેના માટે માટીના વાસણમાં જવ વાવી તેના પર શુદ્ધ પાણી અને ગંગાજળ ભરેલો કળશ મૂકવામાં આવે છે. એ કળશમાં અક્ષત, દૂર્વા અને સોપારી ઉમેરવામાં આવે છે. કળશને ચાંદલો કરી, નાડાછડી બાંધી તેના પર સૂકું નારિયેળ રખાય છે. એ નારિયેળને પણ નાડાછડી બાંધીને ઉપર લાલ ચુંદડી રખાય છે.
નવરાત્રીમાં ગરબા સ્થાપન કેમ કરવું?
માટીના ગરબાને સુંદર રંગોથી શણગારી નાનકડા બજોઠ પર મગની ઢગલી કરી રાખવામાં આવે છે. તેના અંદર પણ મગ મૂકી દીવો રખાય છે.
નવરાત્રીના પ્રથમ દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે.
નવરાત્રીના બીજા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણી ની પૂજા થાય છે.
નવરાત્રીના ત્રીજા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે.
નવરાત્રીના ચોથા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાની પૂજા થાય છે.
નવરાત્રીના પાંચમા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે.
નવરાત્રીના છઠા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના છઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે.
નવરાત્રીના સાતમા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતાની પૂજા થાય છે.
નવરાત્રીના આઠમાં દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના આઠમાં દિવસે માતા મહાગૌરીની પૂજા થાય છે.
નવરાત્રીના નવમા દિવસે કોની પૂજા થાય?
નવરાત્રીના નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા થાય છે.
દશેરા ક્યારે છે?
આસો સુદ દસમ એટલે કે આ વર્ષે 12મી ઓક્ટોબરે દશેરા છે.
માતાજીના નવ સ્વરૂપો કયા છે?
માતા શૈલપુત્રી, માતા બ્રહ્મચારિણી, માતા ચંદ્રઘંટા, માતા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, માતા કાલરાત્રિ, માતા મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતા એ માતા આદિ શક્તિના નવ સ્વરૂપો છે.
કેવી રીતે ઉજવાય છે દશેરા?
આસો મહિનાની શુક્લ પક્ષની દસમી તિથીએ સમગ્ર ભારતમાં ધામધૂમથી વિજયાદશમી એટલે કે ‘દશેરા’ ઉજવાય છે. સમૂહમાં મોટા મેદાન વચ્ચે રાવણ અને મેઘનાથના ઘાસથી બનાવેલા પૂતળાઓ રખાય છે. ભગવાન શ્રી રામને યાદ કરીને રામવેશમાં લોકો તીરબાણ વડે પૂતળાઓનું દહન કરી ધર્મની વિજય ઉજવે છે. નાના મોટા પાયે લોકમેળાઓ યોજાય છે અને સૌ સાથે મળીને ઉત્સવ ઉજવે છે.
નવરાત્રીની આરતી: જય આદ્યાશક્તિ
જય આદ્યશક્તિ
જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા (2) પડવે પ્રગટયા મા
ઓમ જયો જયો મા જગદંબે. ||1||
દ્વિતિયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું, (2)
બ્રહ્મા ગણપતિ ગાયે, (2) હર ગાયે હર મા
ઓમ જયો જયો મા જગદંબે. ||2||
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા, (2)
ત્રયા થકી તરવેણી, (2) તું તરવેણી મા
ઓમ જયો જયો મા જગદંબે. ||3||
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યાં, (2)
ચારભુજા ચૌદિશા, (2) પ્રગટયા દક્ષિણમાં
ઓમ જયો જયો મા જગદંબે. ||4||
પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા, (2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે, (2) પંચે તત્વો માં
ઓમ જયો જયો મા જગદંબે. ||5||
ષષ્ઠિ તુ નારાયણી, મહિષાસુર માર્યો, (2)
નર નારીના રૂપે, (2) વ્યાપ્યા સઘળે માં
ઓમ જયો જયો મા જગદંબે. ||6||
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, (2)
ગૌ ગંગા ગાયત્રી, (2) ગૌરી ગીતા મા
ઓમ જયો જયો મા જગદંબે. ||7||
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, (2)
સુનિવર મુનિવર જનમ્યા (2) દેવ દૈત્યો માં
ઓમ જયો જયો મા જગદંબે. ||8||
નવમે નવકુળ નાગ, સેવે નવદુર્ગા, (2)
નવરાત્રિ ના પૂજન, શિવરાત્રિનાં અર્ચન, કીધા હર બ્રહ્મા
ઓમ જયો જયો મા જગદંબે. ||9||
દશમે દશ અવતાર, જય વિજયા દશમી, (2)
રામે રામ રમાડયાં, (2) રાવણ રોળ્યો મા
ઓમ જયો જયો મા જગદંબે. ||10||
એકાદશી અગિયારસ, કાત્યાયની કામાં, (2)
કામ દુર્ગા કાલિકા, (2) શ્યામાને રામા
ઓમ જયો જયો મા જગદંબે. ||11||
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ માં
ઓમ જયો જયો મા જગદંબે. ||12||
તેરસે તુળજા રૂપ,તું તારૂણી માતા, (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, (2) ગુણ તારા ગાતા.
ઓમ જયો જયો મા જગદંબે. ||13||
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, (2)
ભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા.
ઓમ જયો જયો મા જગદંબે. ||14||
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, (2)
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા.
ઓમ જયો જયો મા જગદંબે. ||15||
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસ માં (2)
સંવત સોળે પ્રગટયા, (2) રેવાને તીરે, મા ગંગાને તીરે.
ઓમ જયો જયો મા જગદંબે. ||16||
ત્રાંબાવટી નગરી મા, રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, (2) ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જયો જયો મા જગદંબે. ||17||
શિવશક્તિની આરતી, જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, (2) સુખ સંપત્તિ થાશે
હર કૈલાશે જાશે, મા અંબા દુઃખ હરશે,
ઓમ જયો જયો મા જગદંબે. ||18||