આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

અષ્ટમીના શુભ અવસરે કુમારીકાઓ ના આશીર્વાદ સાથે થયું ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું પ્રથમ સત્ર

હાલમાં જ્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ દ્વારા આયોજિત ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ ની પચાસ દિવસ-પચ્ચીસ શહેરો અને એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ ની ભારત યાત્રાનો કચ્છથી શુભારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે મ્યુઝિક થેરાપીનો પ્રથમ સત્ર અંજારના અહલ્યા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે યોજાયો.

વિદ્યાર્થિનીઓ એ ડૉક્ટર દંપતી પાસે ‘મ્યુઝિક થેરાપી ફોર હેપી પિરિયડ્સ’ અને ‘બ્રેઇન રિવાયરીંગ’ નો લાભ લીધો

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય અને માતાજીની આરાધના સાથે થઈ. ત્યાર બાદ વિદ્યાર્થિનીઓ એ તબીબ દંપતિ ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર પાસેથી ‘મ્યુઝિક થેરાપી ફોર હેપી પિરિયડ્સ’ માધ્યમે માસિક દરમિયાન થતી વિવિધ સમસ્યાઓની મ્યુઝિક થેરાપીથી સમાધાનની તાલીમ મેળવી. આ ઉપરાંત ‘મ્યુઝિક થેરપી ફોર બ્રેઇન રિવાયરીંગ’ થકી થર્ડ આય એક્ટીવેશનની સમજ મેળવી. આ સાથે જ ડૉક્ટર દંપતીએ સંગીત સાથે શારીરિક સુસાધ્યતા જાળવતી વિવિધ પ્રવૃત્તિઓ થકી તાલીમ આપી તથા શરીર અને મનના સંતુલનનું મહત્વ સમજાવ્યું. ત્યાર બાદ બાળાઓએ ગીતકાર સંગીતકાર ડૉ. કૃપેશ સાથે ગિટાર પર સંગીત થેરાપીની કસરતો કરી. તો આયુર્વેદ તબીબ ડૉ. પૂજા પાસેથી સંતુલિત માસિક માટે યોગ અને આયુર્વેદના ફાયદાઓ પણ જાણ્યા.

આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે “નવરાત્રિમાં આઠમના દિવસે માતાજી અને કુમારિકાઓના આશીર્વાદ સાથે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ’ ની આ યાત્રા શરૂ કરવાનો મને આનંદ છે. જેમાં સૌ દીકરીઓ, બહેનો અને માતાઓ માટે માસિક સમય દરમિયાન સંગીત અને અધ્યાત્મ થકી હોર્મોનનું સંતુલન જાળવવા માટેની જાગૃતિ લાવવાનો ઉદેશ્ય છે. એ સિવાય આ પહેલમાં પ્રેગ્નેન્સી અને મેનોપોઝ દરમિયાન સંગીત થકી શરીર અને મનની સુસાધ્યતા જળવાય એ માટે પણ માતાઓને તાલીમ મળશે.” તો ડૉ. પૂજા એ દીકરીઓને તાલીમ આપતા કહ્યું કે “આપણું શરીર અને મન સાત અધ્યાત્મિક ચક્રો સાથે જોડાયેલું છે. સંગીત અને આયુર્વેદ થકી આ ચક્રોમાં સંતુલન જાળવી શકાય છે જે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.”

કાર્યક્રમના અંતે છાત્રાલયના સહાયક બહેનો સેજલબેન માનવર અને આશાબેન પટેલ એ આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે દીકરીઓ ના આશીર્વાદ લીધા બાદ વડીલોના આશીર્વાદ સાથે આગામી સત્રનું આયોજન કચ્છના વૃદ્ધાશ્રમમાં થશે. ત્યાર બાદ ભારત યાત્રાના આગામી પડાવમાં ડૉ. કૃપેશ મુંબઈ મહારાષ્ટ્રમાં સેવા કરવા જશે.