આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ થી ડૉ. કૃપેશ એ માતૃભૂમિ કચ્છથી શરૂ કરી ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’.  

‘લેટ ધ મ્યુઝિક હિલ’ ના સંદેશ સાથે ડૉ. કૃપેશ ઠક્કર નીકળ્યા કૃપ હેલ્થના લોકસેવાના કર્મયોગના મિશનમાં  

તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રસંગે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું અંજાર કચ્છના કૃપ ગુરુકુલથી શુભારંભ થયું છે. જેમાં ભારતના બેસ્ટ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે જાણીતા ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ મ્યુઝિક થેરાપીની સ્વાસ્થ્ય પર થતી હકારાત્મક અસરોથી અવગત કરાવવા ૫૦ દિવસમાં ભારતના ૨૫ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સંગીતથી સારવારની પહેલ લઈને  ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગેકૂચ કરી છે.

“સંગીત તો પ્રકૃતિના કણ કણમાં વસે છે” – ડૉ. કૃપેશ

આ યાત્રામાં ભારતીય સંગીતની સ્વાસ્થ્ય પર થતી અસરની શક્તિથી પરિચિત કરાવવા ડૉ. કૃપેશ વ્યક્તિગત અને સમૂહમાં વિવિધ સંસ્થાઓ, હોસ્પિટલો, શાળા અને કોલેજો તેમજ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ ઉપરાંત ગૌશાળાઓમાં મ્યુઝિક થેરાપીના સેશન થકી સેવા આપશે. આ વિષે વાત કરતા ડોક્ટરે જણાવ્યું કે “સંગીત તો પ્રકૃતિના કણ કણમાં વસે છે. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ, પ્રાણીઓ કે કોઈ પણ વસ્તુઓ સંગીતથી અળગી નથી. માટે જાતિ, ઉંમર, સામાજિક પ્રતિષ્ઠા, કે અન્ય કોઈ ભેદભાવ વિના બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, પ્રાણીઓ અને પ્રકૃતિ, સૌ સાથે સંગીતની હકારાત્મક અસરો વહેંચવી એ જ આ યાત્રાનું મુખ્ય હેતુ છે.”

ડૉ. કૃપેશ એક તબીબ હોવાની સાથે ગીતકાર, સંગીતકાર ગાયક અને લેખક તરીકે જાણીતા છે. તેમને ૧૦૦ થી વધુ ગીતો અને ૧૮ થી વધુ ફિલ્મોમાં મ્યુઝિકનો અનુભવ છે. તેમણે સફળ ફિલ્મ નિર્માતા તરીકે વિવિધ પ્રોજેક્ટ અને બેસ્ટ સેલર લેખક તરીકે સાતથી પણ વધુ પુસ્તકો આપ્યા છે. તેમણે એમ.બી.બી.એસ. તેમજ માસ્ટર્સ ઇન હેલ્થ મેનેજમેન્ટ કર્યા બાદ અમેરિકામાં રિસર્ચ ક્ષેત્રે બહોળો અનુભવ મેળવ્યો. ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત ‘કૃપ હેલ્થ’ સાથે સંગીત, સ્વાસ્થ્ય, રિસર્ચ અને મેનેજમેન્ટનું પચ્ચીસ વર્ષનું ભાથું લઈને મ્યુઝિક થેરાપીની શરીર, મન અને પ્રકૃતિ પર થતી અસરોને સૌ સાથે વહેંચવા નીકળ્યા છે.

અગાઉના સફળ પ્રયોગો અને રિસર્ચ ને આધારે ડૉ. કૃપેશ એ અનેકવિધ મ્યુઝિક થેરાપી પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. તેમણે બાળકો માટે બ્રેઇન રિવાયરીંગ, મહિલાઓ માટે હેપી પિરિયડ્સ, વડીલો માટે એન્ટિ-એજિંગ’, યુવાઓ માટે ‘બેલેન્સડ લાઈફ’, સંસ્થાઓ માટે ‘કોર્પોરેટ મ્યુઝિક થેરાપી’ એમ ૧૫૦ થી પણ વધુ સેશન કરેલા છે. આ ઉપરાંત ‘કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર’ અંતર્ગત પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ‘ગૌશાળામાં ગૂંજે ગીતા’ પ્રોજેક્ટ સાથે ભારતીય સંગીતની હકારાત્મક અસરોનો અભ્યાસ અને સફળ પ્રયોગો કર્યા છે.

યાત્રાને આવરી લેતું પુસ્તક અને ફિલ્મ પણ બનાવવામાં આવશે.

આ યાત્રાના શુભારંભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે “આ ભારત યાત્રા પ્રારંભિક તબક્કે મુંબઈ, પૂણે, દિલ્હી, બેંગલોર, તેમજ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને કચ્છના ભુજ, અંજાર તથા ગાંધીધામમાં વ્યક્તિગત અને સામૂહિક સેશનનું આયોજન થશે. જેના માટે અમે વિવિધ સંસ્થાઓને પણ આવકાર આપીએ છીએ. આગામી આયોજન ટૂંક સમયમાં જાહેર થશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ યાત્રાને આવરી લેતું પુસ્તક અને ફિલ્મ પણ બનાવવામાં આવશે.