શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે થયો યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ

હાલમાં ગિવ વાચા સેન્ટર કચ્છ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ થયા. જેમાં ભારત યાત્રાએ નીકળેલા મ્યુઝિક થેરાપીસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ બાળકો, વાલીઓ અને વડીલોને વેદમંત્રો અને સંગીતના વિજ્ઞાનની સમજ આપી. કાર્યક્રમની શરૂઆતમાં વેદોક્ત શાંતિપાઠ સાથે પંચેશ્વર ભગવાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી રામ ચરિત માનસ, શિવ પુરાણ, અને ગિટારની પૂજા થઈ. ત્યારબાદ તબીબ પરિવારએ ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સમાજ સેવા કરવાનો સંકલ્પ લીધો.

વેદ મંત્રોમાં સંગીત અને વિજ્ઞાન છે: ડૉ. કૃપેશ
સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર અને શ્રીમતી નયનાબેન ઠક્કર સાથે ઉપસ્થિત મહેમાનોએ તબીબ પરિવારને પુષ્પોથી વધાવી શુભકામનાઓ આપી. આ કર્મયોગમાં સેવા કરી રહેલા બાળ કલાકારો પર્વ અને વાચા સાથે સૌએ પ્રાર્થના અને ગૂંજે ગીતાનું પઠન કર્યું. ત્યારબાદ લોકોએ મ્યુઝિક થેરાપી સેશનનો લાભ લીધો. જેમાં તેમણે સંગીત અને અધ્યાત્મના સમન્વય સાથે શરીર, મન અને વ્યક્તિત્વ વિકાસની તાલીમ પણ મેળવી. આ અવસરે ડૉ. કૃપેશ એ કહ્યું કે “આપણા વેદ મંત્રો અને સનાતન સંસ્કૃતિમાં સંગીત અને અધ્યાત્મને સાથે લઈને શરીર અને મનનું સ્વાસ્થ્ય જાળવવાનું વિજ્ઞાન રહેલું છે. આ વિજ્ઞાનને મ્યુઝિક થેરાપીના વિવિધ પ્રોજેક્ટ થકી લોકો સુધી પહોંચાડવાનો અમને ઉત્સાહ છે.” તો વધુમાં ડૉ. પૂજા એ જણાવ્યું કે “સંગીત અને અધ્યાત્મ સાથે તૈયાર કરેલા મ્યુઝિક થેરાપીના પ્રયોગોમાં ‘ચલો રામ બને’ અને ‘નાદ શિવોહમ’ વર્કશોપને લોકપ્રિયતા મળી છે. તો અગાઉ પણ ‘ગૂંજે ગીતા’ માધ્યમે મ્યુઝિક થેરાપીના વિવિધ પ્રયોગોની ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીએ સરાહના કરી છે.”
અભિયાન વિષે વાત કરતા શ્રીમતી નયનાબેન એ ઉમેર્યું કે “મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ માં બધાને સંગીત થકી સારવારના અનેકવિધ આયામો જોવા મળશે. આ પહેલમાં સંલગ્ન થવા દરેક શહેરમાંથી વિવિધ સંસ્થાઓ અને મહાનુભાવો એ ઉત્સાહ દાખવ્યો છે ત્યારે દરેકને સેવામાં જોડાવાનો લાભ મળે એવા પ્રયત્નો કરીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ માટે ડૉક્ટર કૃપેશ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે વિવિધ સંસ્થાઓમાં મ્યુઝિક થેરાપી સેશન તેમજ વ્યક્તિગત સેવા આપવા નીકળી ગયા છે. વિવિધ શહેરોમાં થતો ‘ગૌ શાળામાં ગુંજે ગીતા’ નો કાર્યક્રમ આ ભારત યાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે.