ડૉ. કૃપેશ ઠક્કર ગિટાર અને ગીતા લઈ ‘મ્યુઝિક થેરપી ફોર ઓલ’ અભિયાન માટે કરે છે ભારત ભ્રમણ!
એક તરફ જ્યાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આપઘાતના કિસ્સાઓ વૈશ્વિક સમસ્યા બન્યા છે. ત્યારે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ થી ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ એ સંગીતની મદદથી સર્વાંગી સ્વાસ્થ્ય જાળવવા માટે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સેવાનો અભિયાન શરૂ કર્યો છે. કે જેમાં તેઓ 50 દિવસ સુધી ભારતના દિલ્લી, મુંબઈ, બેંગલોર, અયોધ્યા, વૃંદાવન, મથુરા સહિતના 25થી પણ વધુ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સાથે વ્યક્તિગત અને સામૂહિક મ્યુઝિક થેરાપીના સેશન થકી ઉંમર, જાતિ કે સામાજિક ભેદભાવ વિના મનુષ્ય, પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે.

ડૉ. કૃપેશ ઠક્કરનો પરિચય
ડૉ. કૃપેશ ઠક્કર એક તબીબ હોવાની સાથે સાથે જાણીતા ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ નિર્માતા છે. તેમણે એમ.બી.બી.એસ. કર્યા બાદ અમેરિકાથી ‘માસ્ટર્સ ઇન હેલ્થ એડમિનીસ્ટ્રેશન’, ‘હેલ્થ આઈટી’ અને સંગીતમાં ડિગ્રી મેળવી અને રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે અનુભવ મેળવ્યો. ભારત પરત આવ્યા બાદ શ્રીમદ્ ભગવદ ગીતાના સિદ્ધાંતો પર કર્મયોગ પર ચાલતી સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશનની સ્થાપના કરી. જેમાં તેઓ દસ વર્ષથી સંસ્કૃતિ, સમાજ, સ્વાસ્થ્ય, સાહિત્ય અને સેવાના સ્થાનિક અને વૈશ્વિક પ્રોજેક્ટ કરે છે. આ ઉપરાંત ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ તરીકે ભારતનો પ્રથમ ફેમિલી બેન્ડ રૂપે તેઓ ગિટાર પર ગીતા સાથે ‘ગૂંજે ગીતા’ સ્પિરિચ્યુઅલ મ્યૂઝિકલ શો કરે છે. આ કાર્યક્રમ થકી તેઓ સંગીત અને અધ્યાત્મ સાથે સ્વાસ્થ્યને જોડી મ્યુઝિક થેરાપી તેમજ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ નો જનજાગૃતિ અભિયાન ચલાવે છે. જેમાં તેમણે એક સો જેટલા કાર્યક્રમો પૂર્ણ કરી વિક્રમ સર્જ્યો છે.

તેમના બેસ્ટ સેલર પુસ્તકો પર કોલેજના છાત્રો કરે છે અભ્યાસ!
સાહિત્ય ક્ષેત્રે લેખક ડૉ. કૃપેશ એ ભગવદ ગીતાના વ્યાવહારિક ઉપયોગ પર આધારિત પુસ્તકો લખ્યા છે. જે ભારત અને અમેરિકા સહિત વિવિધ દેશોમાં બેસ્ટ સેલર રહ્યા છે. ‘અર્જુન ઉવાચ’ નામે પ્રસિદ્ધ થયેલા તેમના લેખનમાં અર્જુનના મોઢે ગીતા અને લેખકના જીવની સત્ય ઘટનાઓ જોવા મળે છે. તેમના પુસ્તકો પર કચ્છ યુનિવર્સિટી માન્ય શ્રીમદ્ ભગવદ ગીતાના વિવિધ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત ડૉ. કૃપેશ મ્યુઝિક અને ફિલ્મ ક્ષેત્રે દસ વર્ષથી સક્રિય છે. કૃપ મ્યુઝીક અંતર્ગત તેમણે અઢારથી વધુ ફિલ્મો અને હજારથી વધુ ગીતો વિશ્વના બસ્સોથી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કર્યા. ગીતકાર સંગીતકાર તરીકે ડૉ. કૃપેશના સો થી વધુ ગીતોને વિશ્વભરથી લોકચાહના મળી છે. નિર્દેશક અને દિગ્દર્શક તરીકે તેમના પચ્ચીસથી વધુ મ્યુઝિક વિડીયો અને વેબ સીરિઝ વિશ્વ સ્તરે લોન્ચ થયા છે. આ ઉપરાંત ડૉ. કૃપેશની પ્રથમ ફીચર ફિલ્મને છ એવોર્ડ પણ મળ્યા છે.
સંગીત, સ્વાસ્થ્ય, રિસર્ચ અને મેનેજમેન્ટનું પચ્ચીસ વર્ષનું ભાથું એટલે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’
ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત ‘કૃપ હેલ્થ’ સાથે સંગીત, સ્વાસ્થ્ય, રિસર્ચ અને મેનેજમેન્ટનું પચ્ચીસ વર્ષનું ભાથું લઈને ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ માધ્યમે ગિટાર રૂપી શસ્ત્ર અને મ્યુઝિક થેરાપી રૂપી શાસ્ત્ર લઈને સંગીતની શરીર, મન અને પ્રકૃતિ પર થતી હકારાત્મક અસરોને સૌ સાથે વહેંચવા નીકળ્યા છે. તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ ડૉ. કૃપેશ એ માતૃભૂમિ કચ્છથી શરૂઆત કરી છે. આવનારા ૫૦ દિવસમાં તેમણે ભારતના ૨૫ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સંગીતથી સારવાર કરવા ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગળ વધ્યા છે. આ યાત્રામાં ડૉ. કૃપેશ વ્યક્તિગત અને સમૂહમાં વિવિધ સંસ્થાઓ, હોસ્પિટલો, શાળા અને કોલેજો તેમજ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ ઉપરાંત ગૌશાળાઓમાં મ્યુઝિક થેરાપીના સેશન થકી સેવા આપશે.

અગાઉના સફળ પ્રયોગો અને રિસર્ચને આધારે ડૉ. કૃપેશ એ અનેકવિધ મ્યુઝિક થેરાપી પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. તેમણે બાળકો માટે બ્રેઇન રિવાયરીંગ, મહિલાઓ માટે હેપી પિરિયડ્સ, વડીલો માટે એન્ટિ-એજિંગ’, યુવાઓ માટે ‘બેલેન્સડ લાઈફ’, સંસ્થાઓ માટે ‘કોર્પોરેટ મ્યુઝિક થેરાપી’ એમ ૧૫૦ થી પણ વધુ સેશન કરેલા છે. આ ઉપરાંત ‘કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર’ અંતર્ગત પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ‘ગૌશાળામાં ગૂંજે ગીતા’ પ્રોજેક્ટ સાથે ભારતીય સંગીતની પ્રકૃતિ અને પ્રાણીઓ પર થતી હકારાત્મક અસરોના અભ્યાસ અને સફળ પ્રયોગો કર્યા છે. જેની ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને સાહિત્ય અકાદમી પ્રમુખએ પણ પ્રશંસા કરેલી છે. ડૉ. કૃપેશના બહુવિધ આયમોમાં આપેલ યોગદાનને વિવિધ સંસ્થાઓએ એવોર્ડ આપી બિરદાવ્યા છે.

‘સંગીત તો પ્રકૃતિના કણ કણમાં વસે છે’ : ડૉ. કૃપેશ ‘અર્જુન’
અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરે આ મહાયજ્ઞમાં જોડાવવા માટે સૌને આવકાર આપ્યો છે ત્યારે વિવિધ શહેરોની સંસ્થાઓ, હોસ્પિટલો, શાળા કોલેજો તેમજ વ્યક્તિવિશેષ મહાનુભાવોએ તેમને આમંત્રણ આપેલું છે. આ વિષે વાત કરતા ડોક્ટરે જણાવ્યું કે “સંગીત તો પ્રકૃતિના કણ કણમાં વસે છે. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ, પ્રાણીઓ કે કોઈ પણ વસ્તુઓ સંગીતથી અળગી નથી. માટે જાતિ, ઉંમર, સામાજિક પ્રતિષ્ઠા, કે અન્ય કોઈ ભેદભાવ વિના બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, પ્રાણીઓ અને પ્રકૃતિ, સૌ સાથે સંગીતની હકારાત્મક અસરો વહેંચવી એ જ આ યાત્રાનું મુખ્ય હેતુ છે. આ ઉદેશ્યમાં જોડાવવા માટે લોકોનો ઉત્સાહ એ જ અમારી પ્રેરણા છે. સંગચ્છદવમ સંવદ્દવમની ભાવના સાથે સંયુક્ત ઉપક્રમે કર્મયોગ કરવાનો આનંદ અનેરો છે.”

યાત્રા પર બનશે ડોક્યુમેન્ટરી ફિલ્મ!
વધુમાં તેમણે જણાવ્યું કે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ માં ભારતના મુખ્ય મહાનગરો દિલ્લી, મુંબઈ, બેંગલોર ઉપરાંત, અયોધ્યા, કાશી, હરિદ્વાર, વૃંદાવન અને મથુરા, શિમલા, ઇન્દોર, જયપુર, પૂણે, નાશિક, અને આબુ સિવાય ગુજરાતનાં અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, ભાવનગર, આણંદ અને કચ્છના શહેરોનો સમાવેશ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર યાત્રાને આવરી લેતી ડોક્યુમેન્ટરી ફિલ્મ અને પુસ્તક પણ વૈશ્વિક સ્તરે લોન્ચ થશે.




