બાળ લેખકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના રામાયણ આધારિત પુસ્તકોનું થયું વિમોચન
ભગવાન રામના ગુણોને અનુસરી બાળ સર્જકોએ પુસ્તકો માતા-પિતાને અર્પિત કર્યા.
હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પઠન બાદ શબ્દો થકી ભગવાનની વંદના કરતાં બાળ લેખકો છ વર્ષીય પર્વ ઠક્કર ના ‘રામાયણ એક્ટિવિટી બુક’ અને બાર વર્ષીય વાચા ઠક્કર ના ‘રામાયણ વર્ડ સર્ચ’ પુસ્તકનું વિમોચન થયું.
બાળ સર્જકો એ ભગવાન રામ જેવા ગુણો અનુસરતા માતા-પિતા ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ ઠક્કર તથા દાદા-દાદી ડૉ. શશીકાંત અને શ્રીમતી નયનાબેન ઠક્કરને પુસ્તકો અર્પિત કરીને સંસ્કારોનું વિશિષ્ટ ઉદાહરણ સ્થાપ્યું. તેમને આશીર્વાદ આપતા ડૉ. શશીકાંત એ કહ્યું કે “સનાતન ધર્મથી પ્રેરિત વિવિધ પુસ્તકો પ્રકાશિત કર્યા બાદ રામાયણ પર આધારિત આ ત્રીજા પુસ્તકને પણ ભવ્ય સફળતા મળે એવા શુભાશિષ.” આ પ્રસંગે લેખિકા વાચા એ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે “મારા પિતાની જેમ હું પણ મારા પંચેશ્વર એટલે કે દાદી-દાદા, માતા-પિતા અને ભાઈને મારું પુસ્તક અર્પિત કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ સફળતાનો સંપૂર્ણ શ્રેય મારા પરિવારનો છે.” વધુમાં પિતા ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “આ બંને પુસ્તકો રામાયણ પર આધારિત જ્ઞાન સાથે ગમ્મત આપતા કોયડાઓ અને પ્રવૃતિઓ થી ભરપૂર છે. જેના આધારે ખાસ બાળકો માટે પરીક્ષાઓ અને કાર્યશાળાઓ નું આયોજન પણ થઈ રહ્યું છે. જેથી આજની પેઢીને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પ્રેરણા મળશે.”
તો માતા ડૉ. પૂજા એ ઉમેર્યું કે “આ પુસ્તકોમાં બાળકોનો બૌદ્ધિક અને તાર્કિક વિકાસ થઈ શકે એવી આકર્ષક પ્રવૃતિઓ છે. જેથી બાળકો ટીવી અને મોબાઈલ પાછળ સમય બગાડવા ને બદલે આ કોયડાઓ ઉકેલવા વધુ પસંદ કરશે.” આ પુસ્તકોના પ્રકાશન થકી પર્વ અને વાચાએ ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અભિયાનને વેગ આપ્યું છે. અગાઉ પણ સાહિત્ય થકી સમાજસેવા કરનાર આ બંને બાળ સર્જકોના યોગદાનની સરાહના કરતાં ગુજરાતની નામાંકિત સંસ્થાઓએ પર્વ અને વાચાને પુરસ્કારોથી બિરદાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ‘ચલો રામ બને’ કાર્યશાળામાં આ પુસ્તકો આધારિત પ્રવૃતિઓ કરાઇ. જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. કૃપ પબ્લિશિંગ એ આ પુસ્તકો માટે પ્રકાશક અને વિક્રેતા તરીકે સેવા આપી છે.