ગુજરાત દિવસ વિશેષ: કૃપ પબ્લિશિંગ ‘ગુજરાતી મિજાજ’ સાથે ભાષાની સેવામાં
ગુજરાતનો સ્થાપના દિવસ એ ગુજરાતી અસ્મિતાનો પર્વ છે. કારણકે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. ત્યારથી ગુજરાત એ ભારત માતાનો જમણો હાથ બની દેશમાં ક્રાંતિ અને ઉન્નતિના નવા શિખરો સર કરતો આવ્યો છે, તો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર એ ભારત માતાના હાથના કંકણ સમા આભૂષણો બની સૌંદર્યનો પ્રતિક બન્યા છે. આવી ગૌરવવંતી ગાથા સાથે વર્ષોથી સંગીત, કલા, ફિલ્મો અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત રહેલી ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યો.
શું છે ‘ગુજરાતી મિજાજ’?
‘આપણો મિજાજ, ગુજરાતી મિજાજ’ ના ભાવ સાથે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો અને ગુજરાતીની સંસ્કૃતિને ભાષા અને સાહિત્યના તાંતણે એકસૂત્રે બાંધતા આ પોર્ટલમાં સંસ્કૃતિનું સંવર્ધન કરતાં કર્મયોગના વૃતાંત હશે, તો સનાતન ધર્મના અભિયાન પણ હશે. સંગીત, કલા સને સાહિત્યના સોપાનો હશે, તો કલાકારો અને સાહિત્યકારોની યશગાથાઓ પણ હશે. આ ઓનલાઈન પોર્ટલમાં સાહિત્યની ધરોહર સમાન પુસ્તકો અને નવલકથાઓ ની કૉલમ હશે, તો ગુજરાતી લેખકોના આચાર-વિચાર અને વ્યવહાર ના સ્વતંત્ર લેખો પણ જોવા મળશે. ભાષા અને સાહિત્યની કમાન સંભાળતા GLCC ગુજરાતના લેખકો, કવિઓ અને સાહિત્યકારો આ પોર્ટલમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવશે.
ભાષા અને સાહિત્ય થકી સંસ્કૃતિની વંદના કરવા તથા ગુજરાતની મહામૂલી અસ્મિતાને વિશ્વસ્તરે ઉજાગર કરવાના ઉદેશ્યથી ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ અને ઇઝી આઈડી જેવી નામાંકિત સંસ્થાઓ પણ સાથે મળીને કૃપ મ્યુઝિક દ્વારા સંચાલિત ‘ગુજરાતી મિજાજ’ ના આ કર્મયોગમાં સંલગ્ન થઈ છે. આ ભગીરથ કાર્યમાં પહેલાં જ વર્ષે કૃપ મ્યુઝિકની સી.એસ.આર વિંગ એ એક લાખની આર્થિક સહાય આપી. તો અન્ય સંસ્થાઓ પણ તેમના કાર્ય-કૌશલ્યો સાથે યોગદાન આપવા અગ્રેસર થઈ. જે દસ વર્ષના કર્મયોગને દરેક લોકો સુધી પહોંચાડવા અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ગૂગલ પર પ્રતિબિંબિત કરવામાં મદદ કરશે.
કોણ છે ‘ગુજરાતી મિજાજ’ ના સારથિ?
ગુજરાતી સંસ્કૃતિને સમર્પિત આ પોર્ટલ માટે એડિટર ઈન ચીફની ભૂમિકામાં કૃપ મ્યુઝિકના સીઇઓ અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સેવા આપશે. જેમાં તેઓ પોતાના ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના વર્ષોના અનુભવ તથા હેલ્થ અને રિસર્ચ ક્ષેત્રની કુશળતાઓ સાથે જોડાઈ સંગીત, કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધન તથા સાહિત્યકારો અને કલાકારોને વિશ્વ ફલક પર મંચ આપવા માટે યોગદાન આપશે. તો કૃપ મ્યુઝિકના ચેર પર્સન અને ગિવ વાચાના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટરનો પદ સંભાળતા લેખિકા ડૉ. પૂજા ઠક્કર સબ એડિટરની ભૂમિકા સંભાળશે. આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે ‘ગુજરાતી મિજાજ એ માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યે ઋણ ચૂકવવા માટે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાઈ-બહેનો સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ છે. જે થકી આપણા સમૃદ્ધ વારસાને વિશ્વ ફલક પર સુશોભિત કરવાના અનેકવિધ પ્રયત્નો કરવામાં આવશે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે “આ ફક્ત કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો પ્રયાસ નથી, પરંતુ સૌ ગુજરાતીઓ નું સંગીત, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ પરનો વિશ્વાસ છે. જે સૌના સહિયારા પ્રયત્નને પરિણામે ફળીભૂત થશે. કારણ કે તેના મૂળમાં ‘આપણો મિજાજ, ગુજરાતી મિજાજ’ નો ભાવ રહેલો છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીત અને કલાની વંદના કરવા માટે ‘ગુજરાતી મિજાજ – ગુજરાતી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ રૂપે સાહિત્ય સંગીત પર્વની અનેરી ઉજવણી પણ કરવામાં આવે છે.