કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

વામન જયંતી નું મહત્વ, પૂજા વિધિ અને પૌરાણિક કથા | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | પર્વની પાઠશાળા

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. આ વર્ષે 15 સપ્ટેમ્બર ના વામન જયંતી છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતીના ગર્ભથી પ્રગટ થયા હતા. માટે એમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી રૂપે ઉજવવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ જ્યારે દેવશયની એકાદશી પ્રસંગે આપણે વામન ભગવાનનો થોડો પરિચય મેળવ્યો ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે વિસ્તારથી પરિચય મેળવીશું.

કોણ છે ભગવાન વામન?

ભગવાન વિષ્ણુના કુલ દસ અવતારોમાં પ્રથમ ચાર અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ અને નૃસિંહ એમ પ્રાણી રૂપ ધારણ કર્યા પછી પાંચમા અવતારમાં ‘વામન’ રૂપે મનુષ્ય બનીને પ્રગટ થયા. પરમ જ્ઞાની બ્રાહ્મણ બાળક, નાનું કદ, સાદા વસ્ત્રો, માથે શિખા, યજ્ઞોપવિત, હાથમાં છત્રી અને લાકડાનું પાત્ર એવો દિવ્ય અને પ્રભાવશાળી વેશ એમણે ધારણ કર્યો અને સર્વે દેવોની સમસ્યા ઉકેલતા સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્ય પાછું મેળવ્યું. માટે એવું માનવામાં આવે છે કે ‘વામન જયંતી’ એ ભગવાન વામન અને વિષ્ણુની પૂજા કરવાથી અધૂરા કાર્યો અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વામન જયંતીના શું કરવું જોઈએ?

આપણા શાસ્ત્રોમાં તેમની પૂજા અને વ્રત કરવાના વિધાન આપ્યા છે. આ દિવસે વહેલી સવારે માટી અથવા ધાતુથી બનેલી વામન ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી, પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળા ફળો અને નૈવેદ્ય વગેરે અર્પણ કરી પૂજા અને આરતી થાય છે. તેમજ આખા દિવસનો ઉપવાસ, સાંજે વામન ભગવાનની કથાનું શ્રવણ અને વાંચન તથા અંતે પ્રસાદ લઈને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ દિવસે નાના બાળકોને વામન રૂપ ગણી ‘બટુક ભોજન’ કરાવવું તેમજ ધોતિયું, ઉપવસ્ત્ર અને ઉપયોગી વસ્તુ દાન દક્ષિણા આપવાનું પણ વિશેષ મહત્વ કહ્યું છે. આ ઉપરાંત વામન દ્વાદશી એ ચોખા, દહીં અને મિસરીનો પ્રસાદ આપવાનો પણ વિશેષ મહિમા છે. ભગવાન વામનની કથા સનાતન સંસ્કૃતિમાં મહત્વના સ્થાને તો છે જ પરંતુ આપણને એક અનેરો બોધ આપે છે.

વાંચો ‘ભગવાન વામન’ ની કથા!

આ એ સમયની વાત છે જ્યારે પ્રહલાદના પૌત્ર અસુર રાજ બલિ એ તપ અને શક્તિઓને બળે પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. ઇન્દ્ર સહિત સૌ દેવો હતાશ થયા અને તેમની માતા અદિતિ પાસે ગયા. પુત્રોની વ્યથા જોઈ માતા અદિતીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. જેના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ તેમના ગર્ભથી વામન અવતાર રૂપે જન્મ લેવાના આશીર્વાદ આપ્યા. ભાદરવા શુક્લ બારસને દિવસે તેમનો જન્મ થયો. નાનું કદ પણ અપાર બ્રહ્મજ્ઞાન સાથે તેજસ્વી બાળક રૂપે તેઓ પ્રગટ થયા. સર્વે દેવોએ તેમને અઢળક આશીર્વાદ અને છત્ર, લાકડી, લાકડાનું પાત્ર વગેરે વસ્તુઓ ભેટ આપી.

આ પણ વાંચો: ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, કથા અને વ્રત કથા | ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે?

સૌના કલ્યાણ માટે વામન ભગવાન રાજા બલિને મળવા નીકળ્યા. ગંગા નદીના કિનારે રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા. મહાદાની તરીકે ઓળખાતા બલિરાજ પાસે આ પ્રસંગે દાન લેવા બ્રાહ્મણો હાજર હતા. ક્યાંકને ક્યાંક બલિરાજને પણ દાની હોવાનું અભિમાન હતું. દેવોની સહાય કરવા અને તેના અભિમાનને તોડવા માટે ભગવાન વામન ત્યાં આવ્યા અને રહેવા માટે દાનમાં ફક્ત ત્રણ ડગલાં ભૂમિ માંગી. રાજાને આશ્ચર્ય થયો. આટલો નાનો તેજસ્વી બાળક દાનમાં ધન કે ઐશ્વર્યને બદલે ફક્ત ત્રણ પગ જમીન કેમ માંગે છે? ત્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યને શંકા થઈ અને તે ભગવાનની લીલા પારખી ગયા. તેમણે તરત બલિરાજ ને પડખે લીધો અને જણાવ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી પણ ભગવાન વિષ્ણુ રૂપ બદલીને આવ્યા છે. જો ખરેખર ભગવાન આવ્યા છે તો આ પ્રસંગે એમને પણ દાન દીધા વિના નહીં રહું એમ વિચારી બલિ રાજા એ કમંડળમાં જળ લીધું. છેવટે એ દાનના સંકલ્પને રોકવા માટે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપે એ પાત્રના મુખમાં પેસી ગયા. જળ રોકાયું એટલે ભગવાન વામન એ ઘાસના તૃણથી અવરોધ હટાવ્યો જેને કારણે શુક્રાચાર્યની એક આંખ હણાઈ ગઈ અને તેઓ બહાર આવ્યા. દાનનું સંકલ્પ વળતાં જ નાના એવા વામનએ વિશાળ રૂપ ધારણ કરી એક ડગલામાં પૂરી પૃથ્વી આવરી લીધી અને બીજા ડગલામાં પૂરું સ્વર્ગ! આ દ્રશ્ય જોઈ બલિરાજ ધન્ય થયા. હવે ત્રીજું ડગલું મૂકવા કોઈ સ્થાન ન રહ્યું ત્યારે પૂરા ભક્તિ ભાવ સાથે રાજાએ તેમના ચરણ પકડીને પોતાના મસ્તક પર ધરી સમર્પણ કર્યું. બલિ રાજાની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને તેમને પાતાળલોકના રાજા બનાવ્યા.

આ કથા આપણે મોટા અભિમાન કરતાં નાના અને સહજ નિરાભિમાનનું મહત્વ શીખવે છે. એક તરફ ગુજરાતમાં જ્યારે ‘બટુક ભોજન’ સાથે વામન જયંતી ઉજવવાની પ્રથા જોવા મળે છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ભારતમાં દસ દિવસીય ઉત્સવ રૂપે ઓણમ ઉજવાય છે જેમાં ભગવાન વામન અને બલિ રાજાની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે ઓણમ વખતે બલિ રાજા પાતાળમાંથી પૃથ્વી પર પોતાની પ્રજાને મળવા આવે છે. માટે એ પ્રદેશમાં ઓણમ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે.


ક્યારે છે વામન જયંતી?

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. આ વર્ષે 15 સપ્ટેમ્બર ના વામન જયંતી છે.

વામન કોનો અવતાર છે?

વામન એ ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર છે.

ભગવાન વિષ્ણુના કેટલા અવતાર છે?

ભગવાન વિષ્ણુના દસ અવતાર છે.

વામન કોના પુત્ર હતા?

વામન ઋષિ કશ્યપ અને આદિતિના પુત્ર હતા.

ભગવાન વિષ્ણુના દસ અવતારના નામ શું છે?

ભગવાન વિષ્ણુના દસ અવતારોના નામ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ છે.

રાજા બલિ કોના પુત્ર હતા?

અસુર રાજ બલિ એ ભક્તરાજ પ્રહ્લાદના પુત્ર વિરોચન અને તેમના પત્ની સુરોચનના પુત્ર હતા.

વામન નો જન્મ ક્યારે થયો હતો?

ભાદરવા શુક્લ બારસને દિવસે તેમનો જન્મ થયો.

વામન નો જન્મ કયા યુગમાં થયો હતો?

ભગવાન વામન નો જન્મ ત્રેતા યુગમાં થયો હતો.

રાજા બલિ કોણ છે?

રાજા બલિ અસૂરોના રાજા અને ભક્તરાજ પ્રહ્લાદના પૌત્ર છે. તે આઠ ચિરંજીવી માંથી એક છે.