ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ નો કચ્છ ખાતે થયો આરંભ

હાલમાં વિશ્વના સૌથી લાંબા ચૌદ દિવસીય ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ ની બીજી આવૃત્તિનો શુભારંભ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ પબ્લિશિંગ, ઇઝી આઈ ડી તેમજ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા ભુજના ‘ક્રિએટિવ કોન્સેપ્ટ કોચિંગ સેન્ટર’ ખાતે થયો. આ ઉત્સવ 11 ઓગસ્ટથી શરૂ થઈ 24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ સુધી ઉજવાય છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર, લેખિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર તેમજ જી.એલ.સી.સી. ભુજના પ્રમુખ પુરસ્કૃત લેખિકા અરુણાબેન ઠક્કર સાથે પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતબેન ઠક્કર અને બિંદીબેન ઠક્કર એ ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે આ પર્વનું શુભારંભ કર્યું.

GUJARATI MIJAAJ SEASON 2 INAUGURATION

ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ બન્યું ગુજરાતી મિજાજના આકર્ષણનું કેન્દ્ર

કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો એ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ ‘ચલો રામ બને’ કાર્યશાળા અંતર્ગત વિદ્યાર્થીઓને ભગવાન શ્રી રામના ગુણોની સમજ આપી. તેમજ રામકથા માધ્યમે વિવિધ પરિસ્થિતિઓમાં અનુસરવાની કેળવણી આપી. આ ઉપરાંત સૌ બાળકોએ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આનંદ પણ માણ્યો. આ સંપૂર્ણ કાર્યશાળા લેખક ડૉ. કૃપેશની બેસ્ટ સેલર પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ પર આધારિત છે.

આ પ્રસંગે ડૉ. કૃપેશ એ ઉત્સવ વિષે જણાવતા કહ્યું કે ‘આ ચૌદ દિવસીય સાહિત્ય સંગીત પર્વમાં વિવિધ શહેરોમાં કવિ સંમેલન, પુસ્તક વિમોચન, વાચીકમ, સાંગીતિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિવિધ વર્કશોપ અને સેમિનાર નું આયોજન થશે. તો કૃપ પબ્લિશિંગ સાથે વૈશ્વિક સ્તરે ઈ-બુક પ્રકાશન થકી લેખકો ભાષાની સેવા કરવા માટે અદ્યતન ટેકનોલોજી માધ્યમે યોગદાન આપશે.” ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ વિષે વાત કરતાં ડૉ. પૂજા એ કહ્યું કે “ગુજરાતી મિજાજ ના ભાગ રૂપે ઉજવાતા આ બાળ સાહિત્ય ઉત્સવમાં બાળ કવિ સંમેલન તેમજ બાળ સર્જકોના પુસ્તકોનું વિમોચન થશે. જેથી આવનારી પેઢીને માતૃભાષાની સેવા કરવા પ્રેરણા મળશે.” તો અરુણાબેન ઠક્કર એ બાળકોને જીવનમાં ગુજરાતી ભાષાના મહત્વ વિશેની સમજ આપીને ભાષા સંવર્ધનની પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કર એ ગુજરાતી ભાષાની સેવા કરવા ગુજરાતી સર્જકોને પુસ્તક પ્રકાશન માટે સહાયની જાહેરાત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પર્વ દરમિયાન કચ્છના સાહિત્યકારો અમેરિકાથી પ્રકાશિત થતા વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર કોલમિસ્ટ તરીકે પદાર્પણ કરશે.


ગુજરાતી મિજાજ ઉત્સવમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.


TO JOIN GUJARATI MIJAAJ FESTIVAL, CLICK HERE