કૉલમ: હુંકાર કરસાહિત્ય

આરાધ્યા | Child Abuse Awareness Story | હુંકાર કર

કૉલમ: હુંકાર કર | લેખિકા: અંજલી સેવક

શ્રુતિ તેની સાત વર્ષીય દીકરી આરાધ્યાને લઈને સ્કૂલેથી ઘરે આવી રહી હતી. એક હાથે આરાધ્યાનો હાથ પકડ્યો હતો અને બીજા હાથે એનો બેગ. બન્ને હળવે હળવે ચાલી રહ્યા હતા. આરાધ્યા ગુમસુમ અને શાંત હતી; પણ શ્રુતિના મનમાં ઘણી ઉથલ પાથલ થઇ રહી હતી. તેને પોતાની પરવરિશ પર પૂર્ણ વિશ્વાસ અને અભિમાન હતું. આરાધ્યાને લઈને તેને મહત્વકાંક્ષાઓ હતી. જેનાં પર તેની શિક્ષિકાના શબ્દો એ પાણી ફેરવી દીધું. PTM દરમિયાન આરાધ્યાની શિક્ષિકા એ જે કંઈ પણ ફરિયાદ કરી હતી, તે હજુ પણ તેના મનમાં ચાલી રહી હતી. તે પોતાની વ્યગ્રતા પર નિયંત્રણ ના રાખી શકી અને બોલી…

“આ બધું શું માંડ્યું છે આરાધ્યા? હું જોઉં છું થોડા દિવસોથી તું અજીબ બિહેવ કરે છે. પૂછીએ તો જવાબ નથી દેતી! ક્લાસમાં પણ ધ્યાન નથી હોતું, ભણવામાં પણ ધ્યાન નથી હોતું. તારે કરવું છે શું? તારી ફ્રેન્ડ નિત્યા ને જો, તેનો પેલો નંબર આવ્યો છે. મને એમ હતું કે તારા ટ્યુશન ચાલુ કરાવીશ તો રિઝલ્ટ સારું આવશે, પણ તું તો જેવી હતી તેવી જ રહી, સાવ બુધ્ધુ!”

આરાધ્યા પૂર્વવત જ ચૂપ રહી, શાંત રહી. કંઈ જ ના બોલી જાણે અપેક્ષા જ ના હોય! પોતાનું માથું અને નજર નીચી રાખીને બસ ચાલતી રહી. જાણે એની એ માસૂમ નાની પલકો પર કોઇ અજાણ્યું વજન ખમી રહી હોય. આરાધ્યા પહેલા તો આવી ના હતી, ખુશ મિજાજ અને હસતી રમતી છોકરી હતી. તેનું આ બદલાયેલુ વર્તન શ્રુતિને ગમતું ના હતું, એટલે એ વઢતી રહેતી. આરાધ્યાને આમ પ્રત્યુતર હિન જોઈ શ્રુતિ વધુ ખિજાઈ, પણ વધુ બોલી નહીં. થોડી વારમાં જ તે ઘર આવી પહોંચ્યા.

શ્રુતિ એ દરવાજો ખોલ્યો કે તરત આરાધ્યા દોડીને તેના રૂમમાં ચાલી ગઈ. શ્રુતિ કિચનમાં ગઈ અને જમવાની તૈયારી કરવા લાગી. ટેબલ પર બધું અરેંજ કર્યા પછી તે આરાધ્યા ને બોલાવવા તેના રૂમમાં ગઈ. હળવે થી દરવાજો ખોલી જોયું તો તે સૂઈ ગઈ હતી. તેના માસૂમ નિર્દોષ ચહેરા ને જોઈ તેનું મન ભરાઈ ગયું. તેની પાસે ગઈ હળવેથી માથે હાથ ફેરવ્યો ત્યાં જ તે ઊંઘમાં પણ જબકી. તેની બંધ આંખે પણ કીકીઓ આમ તેમ હલન ચલન કરી રહી હતી. એ જોઈ શ્રુતિને થયું કદાચ એ સ્વપ્ન જોઈ રહી છે. સ્વપ્નની દુનિયામાં ખોવાયેલી આરાધ્યા સામે એકીટશે જોઈ રહી. આરાધ્યાના ચહેરા પર તંગ લકીરો અંકાઈ. બીજી જ ક્ષણે તેના કપાળ પર પરસેવો છવાયો. એ જોઈ શ્રુતિને ચિંતા થઈ. તેણે ઊભી થઈને પંખો ચાલુ કર્યો. પાછું વળીને જોયું અને વિચાર્યું કદાચ એને ગરમી થઈ રહી હશે. તેની પાસે ગઈ. હળવે થી છાતી થપથપાવી લોરી ગાઈ આરાધ્યાને ફરી શાંતિથી સુવડાવી દીધી. ઉઠશે એટલે જમાડી લઈશ એમ વિચારી તે રૂમની બહાર નીકળી ગઈ. ડાઇનિંગ ટેબલ પર બેઠી. ઘડિયાળ જોયું તો અઢી વાગી ગયાં હતા. પોતાની થાળી પીરસી જમવા તો બેઠી પણ કોળિયા ગળેથી માંડ માંડ ઉતર્યા. હવે PTM મિટિંગની વાતો હતી, આરાધ્યાનું ચિંતાજનક વર્તન હતું કે પછી તેની અધૂરી રહી ગયેલી આકાંક્ષાઓ ગળે અવરોધ બની રહી હતી એ નક્કી ના થઈ શક્યું. આખરે એણે થાળી પડખે મૂકી ને અશાંત મનને આરામ આપવાનો વિચાર કર્યો.

આરામ કરીને ઉઠી. આરાધ્યાનો ટ્યુશન જવાનો સમય થઈ ગયો હતો. પોતે થોડી ફ્રેશ થઈ. પ્રેમથી તેને પણ ઉઠાડી લાડ લડાવ્યો, વહાલ કર્યો અને કહ્યું “તું થોડી વાર રમ, ફ્રેશ થઈ જા પછી આપણે ટ્યુશન જઈશું.” એટલું કહી એ રૂમ માંથી બહાર નીકળી ગઈ. આરાધ્યા ફરી સૂનમૂન થઈ ગઈ. ઊભી થઈને તેના રૂમની બારી પાસે ગઈ. ત્યાં તેણે બારીનો પડદો હટાવ્યો. બારી પાસેના ખૂણામાં દીવાલ પર ખરબચડાં અક્ષરે લખેલું હતું ‘My bEst FriEnD’ તે ખૂણામાં છુપાઈને એકદમ ધીરે ધીરે વાત કરવા લાગી.

“તને ખબર છે, આજે શું થયું, મિટિંગમાં મેમ નારાજ હતા. એમણે કહ્યું હું ગુડ ગર્લ નથી. શાયદ મમીને પણ એમ જ લાગે છે. એટલે જ એ મને વઢતી હતી. મને નથી ખબર ગુડ ગર્લ બનવા શું કરવું?” એટલું કહી ફરી એ શૂન્ય થઈ ગઈ. એ બારીની બહાર જોવા લાગી. પોતાના જેવા શૂન્ય આકાશને, બારીની સામે જ ઘર આંગણે વાવેલા ઝાડ અને રંગીન ફૂલોથી લચેલા છોડવાઓ હતા. પણ એ રંગો તેને આકર્ષી શક્યા નહીં. એણે તો બસ એક જ રંગ વાળા આકાશને જોયા કર્યું. કારણ કે એ પણ એક અજાણ્યા રંગે રંગાયેલી હતી. જે રંગ તેને બીજા બધાં રંગોથી વંચિત રાખતું હતું. એટલામાં એની નજર ઉડતા પતંગિયા પર પડી. એને જોઈ તેની આંખો હર્ષાઈ. તેના શૂન્ય થઈ ગયેલા ચહેરા પર સ્મિતની આછી ઝલક પડી. ત્યાંજ તેને ધ્યાન ભંગ કરતો માતાનો સ્વર સંભળાયો.

“આરાધ્યા…” એટલે તેણે પાછળ ફરી જોયું. મમી દરવાજા પાસે ઊભી હતી “બેટા, ગ્રુપમાં મેસેજ હતું. આજે ટ્યુશનમાં છુટ્ટી છે. તારે રમવું હોય તો રમજે હોં!” એટલું કહી શ્રુતિ ચાલી ગઈ. શ્રુતિ એ કિચનમાં પોતાની માટે ચાય બનાવા મુકી અને આરાધ્યા માટે જમવાનું ગરમ કર્યું. આરાધ્યાની ફેવરિટ ડીશમાં જમવાનું પીરસી રૂમ તરફ ગઈ. હજુ દરવાજા સુધી જ પહોંચી ત્યાં એને, તે કંઈક બોલતી હોય વાતો કરતી હોય તેવું સંભળાયું. એણે હળવેથી દરવાજા પાછળથી છપાઈને કુતુહલવશ જોયું.

આરાધ્યા તેના બાર્બી સેટથી રમતી હતી. એ સેટ જે શ્રુતિ જ એની માટે લઈ આવી હતી. આરાધ્યા જ ડિમાન્ડ કરી હતી કે એને પોતાની ફેમિલી જેવી જ બાર્બીની ફેમિલી જોઈએ છે. એટલે શ્રુતિ એ બાર્બી ગર્લ, બોય અને તેની છોકરી જેવી નાની બાર્બી લઈ આવી હતી. આરાપ્યા નાની બાર્બી જેને તે બેબી કહેતી તેને સુવડાવતી હતી. પોતે મમી બાર્બી બની, બેબી ને ઉઠાવી રહી હતી….

“બેબી, ચલ ઉઠ, ટ્યુશનનો ટાઇમ થઈ ગયો છે… ટ્યુશન નઈ જાય તો હોશિયાર કેમ બનીશ? પોતાના મમ્મી ડેડી ની ગૂડ ગર્લ કેમ બનીશ?”

પછી તેણે બેબી ને ઉઠાવી. બેબી બોલતી હોય તેમ વાત કરી “મારે ટ્યુશન નથી જવું.” અને મમી બાર્બી બનીને કહ્યું “જેને ગુડ ગર્લ બનવું હોય તેને જવું જ પડે. સર જે કરે એ કરવું જ પડે, તો જ ગુડ ગર્લ બનાશે” એમ કહી જાણે ટ્યુશન છોડવા જતી હોય તેમ નાટક કર્યું. આ બધું જોઈ શ્રુતિ હસી. એને પોતાનો બચપન યાદ આવ્યો.

 “ગુડ ઇવનિંગ સર.” આરાધ્યાના શબ્દો એ તેનો ધ્યાન ખેંચ્યું. તેણે ફરી જોયું. આરાધ્યા એ બેબી ને બોય ડોલ પાસે બેસાડી એમ કહ્યું “મારી પાસે ગૂડ ગર્લ બનવાનો સિક્રેટ છે જે ઓનલી તેને જ મળશે જે ચૂપ રહેશે.” અને પછી પેલા બોય ડૉલ નો હાથ બેબી ડોલ ના માથા પર ફેરવ્યા, પછી બેબીના મોઢા પર ફેરવ્યો, પછી પીઠ પર ફેરવ્યો. પછી બેબીના ગાલ પર કિસ કરાવ્યું. અને પછી હોઠ પર કિસ કરાવ્યું.. પછી તે એકદમ શાંત થઈ ગઈ, ક્ષુબ્ધ અને મૃત! પથ્થર બનીને બેસી રહી… પ્રતિભાવ હીન…

શ્રુતિને કોઇ મોટો આઘાત લાગ્યો હોય તેમ સ્તબ્ધ થઈ ગઈ. આરાધ્યા તેની બેબી ડોલ ને માથે હાથ ફેરવતાં બોલી “સર એ કહ્યું હતું ને, બધાં આમ જ સ્માર્ટ બને અને ફર્સ્ટ પણ આવે. જો હું સિક્રેટ રાખીશ તો હું પણ ફર્સ્ટ આવીશ. પછી મમી પણ મારાથી ખુશ થશે અને બહુ જ લવ કરશે” એટલું બોલી એ ફરી પેલા શૂન્ય અવકાશ સામે જોઈ સ્થિર થઈ ગઈ. પરંતુ અહીં આ નીરવ શાંતિ એ શ્રુતિના મનમાં તુફાન લાવી દીધું. એના હાથ કંપવા લાગ્યા. તેની મહત્વકાંક્ષાઓ પાછળ એક માસૂમ જીવ પર શું વીતી રહ્યું હતું એ વિષે એને લેશમાત્ર જાણ ન હતી. વિના સમજે બસ, પોતે અગણિત વાર નિરાશા અને આક્ષેપો ના બાણ એ કુમળા છોડ પર હણી રહી હતી એ વાતનો તેને અહેસાસ થયો. તેણે દરવાજો ખોલ્યો. થાળી પડખે મૂકી અને સીધો જઈ આરાધ્યા ને ભેટી પડી.

“આઈ, એમ સોરી આરાધ્યા, વેરી સોરી.. મને માફ કર હુ તને સમજી નહીં, પણ.. પણ તું ચિંતા નહીં કર હવે બધું ઠીક થઈ જશે.”

આરાધ્યા શ્રુતિ સામે જોયું અને કહ્યું “મમ્મી..”

બસ આ એક જ શબ્દમાં શ્રુતિ એ તેની બધી વાત સાંભળી લીધી અને સમજી લીધી, અકથ્ય પણ અને અકલ્પ્ય પણ!! શ્રુતિના મન ક્રોધ થી વ્યગ્ર બન્યો. એણે આરાધ્યા ને તૈયાર કરી. ખૂબ જ પ્રેમ થી સહાનુભૂતિ સાથે વર્તી આરાધ્યા ને સમજણ આપી. તેની સાથે જે થયું છે તે ખોટું થયું છે, ને એમાં આરાધ્યાની કોઈ જ ભૂલ નથી એવું તે સમજી શકે એવા શબ્દોમાં સમજાવ્યું. આરાધ્યાને તૈયાર કરી પોતે પણ બહાર જવા તૈયાર થઈ.

“મમ્મી આપણે ક્યાં જઈએ છીએ?” આરાધ્યા એ પુછ્યું ત્યારે શ્રુતિ એ જવાબ આપ્યો
“બેટા, જેમ તારા સ્કૂલમાં કોઈ મિસ્ટેક કરે તો એને પનીશમેન્ટ મળે એમ તારા સર એ પણ એક મીસ્ટેક કરી છે. આપણે ઓફિસ એ જઈ એની ફરિયાદ કરશું અને તેને પનિશમેન્ટ મળશે.”

બન્ને વિના સમય વ્યર્થ કરે સીધા પહોંચ્યા POSCO ઓફિસ. ત્યાં શ્રુતિ એ સંપૂર્ણ ઘટના કહી સંભળાવી. સર ને વિરુદ્ધ કેસ દર્જ થયો. સાંજના સાત વાગ્યા. ટ્યુશન ના બધા જ છોકરાઓ છૂટયા એટલે સર એ દરવાજો બંધ કરી રાહત મેળવી. હજુ તો બેડ પર પડ્યો જ હતો કે ફરી બેલ સંભળાઈ. તે અકળાઈ ને ઊભો થયો. હોલમાં જઈ અને દરવાજો ખોલ્યો તો જોયું સામે લેડી કોન્સ્ટેબલ સાથે બે હવાલદાર ઉભા હતા. મેડમ બોલી “ચલ સ્ટેશન, તારે ખિલાફ કેસ ફાઈલ થયો છે.”

તે અચાનક એ લોકોને જોઈને ઘબરાયો. અચકાતા ખચકાતા બોલ્યો

“ક.. ક.. કેસ! પણ મેં શું કર્યું?” મેડમ ના ઈશારા કરતાં હવાલદાર આગળ આવ્યા અને તેના ટીશર્ટ ને પકડી ધક્કો આપતાં બહાર લઈ આવ્યા. લથડતાં બહાર આવ્યો કે જોયું. પોલીસની બીજી ગાડીમાં શ્રુતિ અને તેની દીકરી બેઠાં હતાં. તેના ચહેરા પર અપરાધ ભાવ નો કાળો રંગ છવાયો. એક માસૂમ બાળ માનસ પર જે વીતી એ તો કદાચ ભુલાતા સમય લાગશે. પરંતુ શ્રુતિ ને એટલો તો સંતોષ થયો કે હવે આ ઘટના પછી એ કોઈની પણ સાથે દુઃસાહસ કરવાની હિંમત નહીં કરે.