વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા
“ગાંડા બાવળ વચ્ચે પણ એવા ડાહ્યા કચ્છી,
કે મૃગજળની વચ્ચે પણ ગંગા નાહ્યા કચ્છી..”
ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ દ્વારા વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ નો શુભારંભ કચ્છ ખાતે થયું ત્યારે કચ્છના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા એ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર ને વિશેષ શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા. ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે તેમણે આ સાહિત્ય સંગીત પર્વના ભવ્ય આયોજનની સરાહના કરી.

આ પ્રસંગે શ્રી મદનકુમાર એ કહ્યું કે “અગાઉ કૃપ લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ સાત ભાષાઓનો અલાયદો ઉપક્રમ યોજી, કચ્છી મિજાજની ભવ્ય સફળતા બાદ આપની સમગ્ર ટીમ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ અંતર્ગત ચૌદ દિવસ માટે અનેકવિધ પ્રવૃતિઓનો ઉપક્રમ યોજ્યો છે એ માટે મારી હાર્દિક શુભકામનાઓ.” તો ડૉ. કૃપેશ એ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે “આપ સર્વેના આશીર્વાદ અને શુભેચ્છાઓ આપણે પ્રેરણા આપે છે. ‘ગુજરાતી મિજાજ’ ની આ બીજી આવુતિમાં વિવિધ શહેરોમાં વર્કશોપ, સેમિનાર, કવિ સંમેલન, પુસ્તક વિમોચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે અમે ઉત્સાહિત છીએ.” વધુમાં ડૉ. પૂજા એ ઉમેર્યું કે “ખાસ આજની પેઢીના બાળકો અને યુવાઓ ભાષા અને સાહિત્યની સેવા કરવા પ્રેરાય એ ઉદેશ્યથી ‘ગુજરાતી મિજાજ’ માં ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત બાળ કવિ સંમેલન અને બાળ સર્જકોના પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજવાનો અમને આનંદ છે.” ત્યારે શ્રી મદનકુમાર ભાઈ એ પણ કચ્છ ગુજરાતના કવિઓ અને સાહિત્યકારોને ભાષાની સેવા કરવા આવકાર્યા.

આ પણ વાંચો: ગુજરાતી મિજાજ અંતર્ગત લેખિકા અરુણા ઠક્કરના પુસ્તક ‘લટઈ’ નું થયું વિમોચન
જૂના સંસ્મરણો યાદ કરતાં ડૉ. કૃપેશ એ જણાવ્યું કે ગત વર્ષે શ્રી મદનકુમાર એ કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ પ્રસંગે અતિથિ વિશેષ અને સલાહકાર તરીકે સહયોગ આપી સોના માં સુગંધ ભેળવી હતી. કચ્છી યુવા કવિ સંમેલન પ્રસંગે યુવા કવિયત્રીઓની સરાહના કરી સૌને તેમની કચ્છી કવિતાઓના આસ્વાદ માણવાનો નો લ્હાવો આપ્યો હતો. તો પુસ્તક વિમોચન પ્રસંગે સૌ લેખકોને પણ આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત તેમણે ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ પ્રત્યેની તેમની લાગણીઓને શબ્દોથી શણગારી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તો આ વર્ષે ‘ગુજરાતી મિજાજ’ ની દ્વિતીય આવૃતિ પ્રસંગે તેમણે મા-બોલી કચ્છી અને માતૃભાષા ગુજરાતીના વિશિષ્ટ સમન્વય સાથે વિશેષ કવિતા અર્પિત કરીને શબ્દો થકી વંદના કરી સૌને પ્રેરણા આપી છે.

શ્રી મદનકુમાર અંજારીઆ ની વિશેષ કવિતા
ગાંડા બાવળની વચ્ચે એવા ડાહ્યા કચ્છી,
કે મૃગજળની વચ્ચે પણ ગંગા નાહ્યા કચ્છી.
સુંગધના સાક્ષાત સરનામાં સરીખા,
ખુદ છે અંતરના અક્ષરના ફાયા કચ્છી.
હો ઘાસચારાની તંગી, ભાઈચારાની નહીં,
વિશ્વબંધુ તરીકે દુનિયામાં વખણાયા કચ્છી.
બેશરમોના બુરખા ખુલ્લાં પાડવામાં,
બિલકુલ, ધરાર ના શરમાયા કચ્છી.
એમને બાંધી શકે, તાકાત કોની છે!
પણ પ્રેમ મળ્યો ત્યાં સામે થી બંધાયા કચ્છી.
કચ્છ–કિલ્લાની મજબૂતીનું તો પૂછવું જ શું!
જ્યાં એખલાસની ઈમારતના છે પાયા કચ્છી.
જગમાં વગાડ્યા ડંકા, એમાં નથી કોઈ શંકા,
જ્યાં સૂર્ય કિરણોની ઝડપે ફેલાયા કચ્છી.
ખૂલી આંખે જેણે ‘ખ્વાબ’ સેવ્યા કચ્છીયત નાં,
બસ, માત્ર એમને જ સમજાયા કચ્છી.