ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી દ્વારા આયોજિત ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ ની દ્વિતિય આવૃત્તિનો શુભારંભ થયો છે ત્યારે આ પર્વના બીજા દિવસે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉ. મા. શાળા ખાતે ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું. જેમાં ગુ. શિ. સેવા વર્ગ-૨ ના આચાર્યા શ્રીમતી સુનિતાબેન દરિયાણી, સુપરવાઈઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને વહીવટી વડા શ્રી ભરતસિંહ જાડેજા એ ગીતકાર, સંગીતકાર અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સાથે આયુર્વેદ તબીબ અને લેખિકા ડૉ. પૂજા ઠક્કરનું સ્વાગત સત્કાર કર્યું.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. કૃપેશ ઠક્કર એ ‘ભગવદ્ ગીતા ફોર લાઈફ’ વિષય પર વક્તવ્ય આપ્યું

આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. કૃપેશ ઠક્કર એ ‘અર્જુન ઉવાચ’ વિષયમાં ‘ભગવદ્ ગીતા ફોર લાઈફ’ ના દૃષ્ટિબિંદુ પર વક્તવ્ય આપ્યું અને અર્જુન જેવું લક્ષ્ય કેળવવા તેમજ જીવનની દરેક સમસ્યાને ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ ઉકેલવા માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનને વ્યવહારિક જીવનમાં અનુસરીને મને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળી છે જેનો શ્રેય આ શાળામાં થયેલા મારા ચારિત્ર્ય ઘડતરને આભારી છે અને એ માટે હું આ શાળાનો અને મારા શિક્ષકોનો સદા ઋણી રહીશ. આજે મારી જ શાળાના વિદ્યાર્થીઓ સાથે આ રહસ્યો વહેંચવાનો મને આનંદ છે.”

આ પણ વાંચો: વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ નો કચ્છ ખાતે થયો આરંભ

તો શ્રીમતી સુનિતાબેન એ કહ્યું કે “શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રૂપે આપે સંગીત, ફિલ્મ, સાહિત્ય અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જે સફળતા મેળવી છે એનો અમને ગર્વ છે. આપે વૈશ્વિક સ્તરે શાળાનું નામ રોશન કર્યું છે.” વક્તાનું અભિવાદન કરતાં શ્રી ઉમેશભાઈ એ કહ્યું કે “બહોળા અનુભવ અને સફળતાના શિખરેથી આપે જીવનમાં આવતા ઉતાર ચઢાવને ભગવદ્ ગીતાના જ્ઞાન સાથે પાર પાડવા જે પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું છે. તે યુવાનોને શિક્ષણ અને ભવિષ્ય બંને દિશાએ ઉપયોગી થશે. આ મોટિવેશનલ સેમિનાર માધ્યમે વિદ્યાર્થીઓને એક નવી દ્રષ્ટિ અને આત્મવિશ્વાસ મળ્યો છે. જે તેમને સફળતા સુધી દોરી જશે.”

તેમજ કૃપ ગુરુકુલના આચાર્યા ડૉ. પૂજા એ વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના વર્ગોમાં જોડાઈ આવનારા ગીતા જયંતી પર્વના ભવ્ય કાર્યક્રમમાં પર્વ ફયુઝન બેન્ડ સાથે ગૂંજે ગીતા પરફોર્મ કરવા આવકાર આપ્યું. આ કાર્યક્રમમાં બાળકો અને સમગ્ર શાળા પરિવાર એ ડૉ. કૃપેશના ગિટાર સાથેના લાઈવ પરફોર્મન્સની મજા માણી અને અંતે ઉમેશભાઈ દ્વારા આભાર વિધિ સંપન્ન થઈ. અત્રે ઉલ્લેખનીય છે કે કૃપ ગુરુકુલના ‘ભગવદ્ ગીતા ફોર લાઇફ’ વિષયના સર્ટીફીકેટ અને ડિપ્લોમા કોર્સને કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂરી મળી છે. જેમાં જોડાવવા કચ્છમાંથી વિદ્યાર્થીઓ ઉપરાંત ગૃહિણીઓ અને વડીલો એ પણ ઉત્સાહ દાખવ્યો છે.