ગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસમાચાર

ગાયક કલાકાર હર્નિશ અંજારિયાનું કૃષ્ણ ભક્તિગીત ‘કરામત’ જન્માષ્ટમી નિમિતે વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

હાલમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા કચ્છ અંજારના ગાયક કલાકાર હર્નિશ અંજારિયા ના કૃષ્ણ ભક્તિ ગીત ‘કરામત’ વૈશ્વિક સ્તરે લોન્ચ થયાની અંજાર ખાતે ઉજવણી થઈ. જેમાં શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષ્ણ ભક્તિ ગીતને હર્નિશભાઈ એ મધુર કંઠ આપ્યો છે તો શબ્દો અને સંગીતમાં ડૉ. કૃપેશનું યોગદાન રહ્યું છે.

સંગીત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કચ્છી કલાકારે મચાવી ધૂમ!

આ ગીત કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વના બસ્સોથી પણ વધુ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ થયું છે. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગીતના કવરનું અનાવરણ કરી કલાકારને શુભકામનાઓ પાઠવી હતી. તો હર્નિશભાઈના એ ગીતના લાઈવ પરફોર્મન્સ પર દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે આશીર્વાદ આપતા શ્રી ત્રિકમદાસજી મહારાજે કહ્યું કે “જન્માષ્ટમીના પાવન પ્રસંગે સંગીત થકી કૃષ્ણ ભક્તિ અર્પિત કરીને આપે વૈશ્વિક સ્તરે કચ્છનું નામ ઉજાગર કર્યું છે. ત્યારે કલા ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય રહે એવી શુભકામના.” આનંદ વ્યક્ત કરતા હર્નિશભાઈ એ કહ્યું કે “અગાઉ લોન્ચ થયેલા ગીતોની ભવ્ય સફળતા બાદ કૃપ મ્યુઝિક સાથે આ નવું ભક્તિ ગીત કરવાનો મને આનંદ છે.” તો ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “હર્નિશભાઈની આગવી ગાયન શૈલી અને તેમનો અવાજ એ જ તેમની વિશિષ્ટતા છે. રેકોર્ડીંગ કરતી વખતે તેમના મિલનસાર વ્યક્તિત્વનો પણ પરિચય મળ્યો. તેમના ગીતને સંગીતબદ્ધ કરવાનો મને આનંદ છે.” આ ઉપરાંત ડૉ. પૂજા એ જણાવ્યું કે “હર્નિશભાઈનું પ્રથમ ગીત મહાલક્ષ્મી મંત્ર જીઓ સાવન પર જાણીતા કલાકારો સાથે ટ્રેન્ડિંગ થયું છે. તો ‘યે તિરંગા રહે’ મ્યુઝિક વિડિયોને પણ ચાહકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.”

આ પણ વાંચો: ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ સાથે પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ કાર્યક્રમની થઈ સદી

અત્રે ઉલ્લેખનીય છે કે હર્નિશ અંજારિયા ‘સૂર ગુજરાત કે’ સિંગિંગ કોન્ટેસ્ટના ટોપ ફાઇનલિસ્ટ રહ્યા છે. તેમની પ્રતિભા અને ગાયકીને ભારે લોકચાહના મળતા તેમને કચ્છ ગુજરાત સિવાય વિદેશમાં પણ શો કર્યા છે. ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના સિંગિગ એમ્બેસેડર તરીકે વિવિધ સાંસ્કૃતિક અને સાંગીતિક કાર્યક્રમોમાં યોગદાન આપીને તેઓ ઊભરતા કલાકારોને પ્રેરણા આપે છે.


Krishna Bhakti Song ‘Karamat’ by Harnish Anjaria

KARAMAT SONG BY HARNISH ANJARIA & DR. KRUPESH THACKER