ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

“કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો હવન સાથે થયો શુભારંભ | સાહિત્યકારો માટે થઈ મોટી જાહેરાત!

હાલમાં કચ્છી નવા વર્ષ નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈ ડી અને કૃપ પબ્લિશિંગ દ્વારા ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો કૃપ ગુરુકુલ ખાતે હવન સાથે ઉજવાયો શુભારંભ સમારોહ. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉ. શશીકાંત ઠક્કર અને શ્રીમતી નયનાબેન ઠક્કર સાથે ફેસ્ટિવલ ડાયરેક્ટર, ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર અને કૃપ ગુરુકુલના આચાર્યા, હેલ્થ એંડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા ઠક્કર એ પંચેશ્વરની વંદના સાથે હવનનો લાભ લીધો. આ શુભારંભ સમારોહમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના સદસ્યો અને એમ્બેસેડર બાળકો પણ હાજર રહ્યા હતા.

કચ્છી નવા વર્ષને વધાવશે વિશ્વનો સૌથી લાંબો કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ “કચ્છી મિજાજ”!

અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિતે ઉજવાઇ રહેલા આ દસ દિવસીય ઉત્સવમાં ૫ થી ૧૪ જુલાઇ સુધી કચ્છના વિવિધ શહેરોમાં કવિ સંમેલન, પુસ્તક વિમોચન, વાચીકમ, કચ્છી પરીક્ષા, સોંગ લોન્ચિંગ ઈવેન્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃતિઓ થશે. ‘કચ્છી મિજાજ’ ના શુભારંભ પ્રસંગે ટ્રસ્ટી શ્રી ડૉ. શશીકાંતએ કહ્યું કે “ગત વર્ષે અમે લોકો એ અમેરિકામાં રહીને ધ કૃપ યુનિવર્સ ખાતે ત્યાંનાં કચ્છી ભાઈ બહેનો સાથે આ ઉત્સવ ઉત્સાહભેર ઉજવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ અમેરિકામાં વસ્તી ગુજરાતી મિજાજની ટીમ વિવિધ પ્રવૃતિઓ સાથે ‘કચ્છી મિજાજ’ ઉજવશે. આ ઉપરાંત અમેરિકાથી સંચાલિત ગુજરાતી પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ મધ્યમે કચ્છના લેખકોની કૉલમ અને પુસ્તકો પણ વૈશ્વિક સ્તરે પ્રકાશિત થશે.” આ ઉત્સવની પ્રથમ આવૃતિ એ વિશ્વના સૌથી લાંબા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ તરીકે વિક્રમ સર્જ્યો હતો. જેની કચ્છ – ગુજરાતની સંસ્થાઓ તથા મસ્કત ગુજરાતી સમાજ એ સરાહના કરી હતી.

પાંજો મિજાજ, કચ્છી મિજાજ

કચ્છી મિજાજ સિઝન ૨ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “પાંજો મિજાજ, કચ્છી મિજાજ ના સૂત્રને સૌએ અગાઉ પણ મીઠો આવકાર આપ્યો છે, ત્યારે સિઝન ૨ માં કૃપ મ્યુઝિક દ્વારા બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર લોન્ચ થયેલું કચ્છી રોક થીમ સોંગ ‘કચ્છી મિજાજ’ વિશ્વના દરેક ખૂણે વસતા કચ્છીઓ સુધી પહોંચશે. તો કૃપ પબ્લિશિંગ અંતર્ગત આ ઉત્સવમાં કચ્છના ચુનીંદા કલાકારોને વિભિન્ન માધ્યમો થકી વૈશ્વિક મંચ અપાશે.” વધુમાં ડૉ. પૂજાએ ઉમેર્યું કે “ભાષા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના આ ઉત્સવમાં જોડાવવા માટે વિવિધ શાળાઓ અને સંસ્થાઓ તેમજ કવિઓ અને સાહિત્યપ્રેમી જનતાએ જે ઉત્સાહ દાખવ્યો છે, એનો અમને આનંદ છે. ખાસ આજની પેઢીમાં મા-બોલી કચ્છીનું મહત્વ સીંચવા માટે અમે આતુર છીએ.” તો કાર્યક્રમના અંતે શ્રીમતી નયનાબેન એ સાહિત્યકારો માટે આનંદના સમાચાર આપતા જાહેર કર્યું કે “કચ્છી સાહિત્ય અને કચ્છના સર્જકોને આ ઉત્સવ અંતર્ગત પુસ્તક પ્રકાશિત કરવા માટે સંસ્થા દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. જે માટેની વિશેષ માહિતી વિવિધ કાર્યક્રમો દરમિયાન જાહેર થશે.“ અત્રે ઉલ્લેખનીય છે કે બહુવિધ પ્રવૃતિઓથી સંપન્ન આ ઉત્સવના પ્રથમ કાર્યક્રમ વાચિકમમાં કચ્છના સાહિત્યકારો બેસ્ટસેલર બનેલી કચ્છી પુસ્તકનું વાંચન કરશે.