સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

‘કચ્છી યુવા કવિ સંમેલન’ માં કવિઓએ કરી શબ્દોથી ‘ગુરુવંદના’

હાલમાં કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’નું અંજાર ખાતે આયોજન થયું. આ અવસરે સંયોજક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ અકાદમી પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરી શબ્દવંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ યોજાયેલ આ સંમેલનના પ્રારંભે પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારોએ કૃપ ગુરુકુલના બાળકો સહિત જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની ‘ગૂંજે ગીતા’ સાથે વંદના કરી. ત્યાર બાદ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ – કચ્છ (જી.એલ.સી.સી.) ની લિટરેચર એમ્બેસેડર બાળ લેખિકા વાચા ઠક્કર અને કલ્ચર ઍમ્બેસેડર જીની સેવક એ સ્વરચિત કવિતાઓ રજૂ કરી. તો લિટરેચર એન્ડ મ્યુઝિક એમ્બેસેડર પર્વ ઠક્કર એ કૃષ્ણ ભગવાનની વેશભૂષામાં કાવ્ય અને ગીતા સાર રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.

આ સંમેલનમાં જી.એલ.સી.સી. કચ્છના પ્રમુખ ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર, સેક્રેટરી અંજલી સેવક અને પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતા ઠક્કર એ ‘ગુરુ’ ને સમર્પિત કચ્છી કવિતાઓ પ્રસ્તુત કરી. તો વિવિધ શહેરોથી આમંત્રણને માન આપી પધારેલા અતિથિઓ ગૌરવ પુરસ્કારથી સન્માનિત વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, કચ્છ શક્તિ પુરસ્કાર વિજેતા કાનજીભાઇ મહેશ્વરી, શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વિજેતા અરુણાબેન ઠક્કર તેમજ મુંબઈથી પધારેલ પુરસ્કૃત કવિયત્રીઓ મનીષાબેન વીરા, દિવ્યાબેન દેઢિયા અને નેહાબેન શાહ એ કચ્છી કવિતાઓનો દોર સંભાળ્યો. આ પ્રસંગે શ્રીમતી નયનાબેન એ કહ્યું કે “કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વની ઉજવણી સાથે કચ્છી ભાષાના સંવર્ધન તેમજ કચ્છના યુવા કવિઓને મંચ આપવા માટે કચ્છી સાહિત્ય અકાદમીનો સહયોગ સૌ માટે પ્રેરક છે. વિવિધ શહેરોથી પધારેલા કવિઓએ ભાષા થકી ‘ગુરુવંદના’ કરીને આજના પ્રસંગની શોભા વધારી છે.” તો આ પ્રસંગે ડૉ. કૃપેશ ઠક્કરના દ્વિતીય કચ્છી પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા જા રૂપ’ અને વાચા ઠક્કરની પ્રથમ કચ્છી પુસ્તક ‘કચ્છી કિલકિલાટ: શબ્દે જી રાંધ’નું ઉપસ્થિત સાહિત્યકારોને હસ્તે વિમોચન પણ થયું. તેમજ શ્રોતાઓએ કચ્છી વાચીકમમાં ‘અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુલ યાત્રા’ પુસ્તકના વાંચનની મજા માણી. કાર્યક્રમના અંતે સૌ કવિઓએ તેમના શિક્ષકો અને ગુરુનું પૂજન કર્યું હતું. ત્યાર બાદ સૌ મહેમાનોએ પ્રસાદ લઈને વિદાય લીધી. કાર્યક્રમમાં બાળ કવિઓના ઉત્સાહને જોઈને ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટીએ ટૂંક સમયમાં જ બાળ કવિ સંમેલન યોજવાની જાહેરાત કરી છે.