સમાચાર

ગજવાણી કોલેજ ઓફ નર્સિંગમાં પર્વ ફ્યૂઝન બેન્ડ સાથે થઈ ગણેશ ઉત્સવની ઉજવણી

હાલમાં કચ્છની ગજવાણી કોલેજ ઓફ નર્સિંગ ખાતે ગણેશ ઉત્સવ પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, ગાયિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર તથા બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નો સંગીતમય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી શ્રી જયભાઇ હેમનાની, આચાર્યા શ્રીમતી નિધિબેન શર્મા તથા શ્રી નાનાલાલભાઈ સત્રા અને શ્રીચંદભાઈ તલરેજા સહિત કોલેજ પરિવારના અન્ય સદસ્યો પણ હાજર રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે થયું ‘વક્રતુંડ મહાકાય ૧૦૮’ ગીતનું લોન્ચિંગ

બેન્ડના કલાકારોએ ગણેશ મંત્ર અને ધૂન સાથે પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી જેમાં સૌ લોકો ઉત્સાહભેર જોડાયા. ત્યારબાદ લાઈવ પરફોર્મન્સ આપતા કલાકારો એ ભક્તિ ગીતો અને પારિવારિક ગીતોનો દોર જમાવ્યો જેમાં સૌ જુમી ઉઠ્યા. આ ઉપરાંત કાર્યક્રમમાં ડૉ. કૃપેશ એ વિદ્યાર્થીઓને મ્યુઝિક થેરાપી વિશે સમજ આપી. તો ડૉ. પૂજા એ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ ના જનજાગૃતિ અભિયાનમાં જોડાવવા માટે સૌને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમમાં બાળ લેખકો અને ગાયકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તો આ બેન્ડના ‘વક્રતુંડ મહાકાય ૧૦૮’ ગીતનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ થયું.

આ પણ વાંચો: શ્રાદ્ધનું મહત્વ અને મહિમા | શ્રાદ્ધની પૌરાણિક કથા

આ પ્રસંગે શ્રીમતી નિધિબેન એ કહ્યું કે “બાળ કલાકારો પર્વ અને વાચા આટલી નાની વયે બાળકોમાં જોવા મળતી બીમારી ક્લબફૂટ અંગે, ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ જનજાગૃતિ પહેલમાં જે કાર્ય કરી રહ્યા છે તે પ્રેરણાત્મક છે. સાથે સાથે તેઓ જે રીતે સમાજ અને સનાતન સંસ્કૃતિની સેવા કરે છે તે પ્રશંસનીય છે.” તો ડૉક્ટર દંપતીને સંબોધતા શ્રી જયભાઈ એ કહ્યું કે “ડૉ. કૃપેશ અને ડૉ. પૂજાના કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂરી પામેલા મ્યુઝિક થેરાપી, આયુર્વેદ અને ભગવદ્ ગીતાને લગતા કોર્સ અદભૂત છે. સૌ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આવા કૌશલ્ય વર્ધક કોર્સની સુવિધા મળી રહે એ જ સમયની માંગ છે.” વધુમાં તેમણે યુવા પેઢીને પ્રેરણા આપતા ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ ના અનેરા સંકલ્પ અને ‘અર્જુન ઉવાચ’ બેસ્ટ સેલર પુસ્તક શ્રેણીની સરાહના કરી હતી. ત્યારબાદ કોલેજ પરિવાર સંગે કલાકારોએ પરિસરની મુલાકાત લીધી હતી. આ બાબતે ડૉ. કૃપેશ એ કહ્યું કે “કચ્છમાં આવી અદ્યતન સુવિધાઓ સાથે ઉત્તમ શિક્ષણ આપતી નર્સિંગ કોલેજની મુલાકાત લેવાનો અમને આનંદ છે. યુવાધનના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત આ કોલેજ પરિવારનું યોગદાન સરાહનીય છે. આજે ગણેશ ઉત્સવનો શુભ પ્રસંગ સાથે મળીને ઉજવ્યો એ યાદગાર રહેશે.” અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમને અંતે સૌએ ‘ગૂંજે ગીતા’ નો લાભ લીધો હતો. તેમજ વિદ્યાર્થીઓ એ જનજાગૃતિની પહેલમાં જોડાવવા માટે પણ ઉત્સાહ દાખવ્યો હતો.