‘હુંકાર કર’ કૉલમ થકી નારી સંવેદનાની પ્રેરણાત્મક વાર્તાઓ લઈને આવી રહ્યા છે લેખિકા અંજલી સેવક!
‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નિમિત્તે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા કચ્છના લેખિકા અંજલી સેવકની નારી ચેતના અને નારી સંવેદના વિશેની રોચક વાર્તાઓની કૉલમ ‘હુંકાર કર’ પસંદગી પામી વૈશ્વિક સ્તરે અમેરિકાથી પ્રકાશિત થતાં ગુજરાતી પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર શરૂ થઈ. જેમાં એક નારીના જીવનમાં આવતા સંઘર્ષો, તેની સાથે થતા અન્યાય અને અત્યાચાર પર આધારિત વાર્તાઓ છે. આ વાર્તાઓ તેમના કૃપ પબ્લિશિંગ દ્વારા પ્રકાશિત ‘હુંકાર કર’ પુસ્તક માંથી લેવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાતી મિજાજની ચયન કમિટીના પ્રતિનિધિએ જણાવ્યું કે “લેખિકા ની ‘હુંકાર કર’ ઈ-બુક નું વાંચન કર્યા બાદ કમિટીના સદસ્યોએ જાણ્યું કે આ વાર્તાઓ થકી નારીજગતને પરિસ્થિતિઓ સામે લડવાની અને સાહસ તેમજ શૌર્ય સાથે પડકાર કરવાની પ્રેરણા મળશે. માટે કમિટીએ આ વાર્તાઓને ‘ગુજરાતી મિજાજ’ માધ્યમે લોકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.”

તો કૉલમ વિશે વાત કરતા અંજલી સેવક એ કહ્યું કે “આપણા સમાજમાં એક તરફ જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય છે, ત્યાં બીજી તરફ હજુ પણ એવો સ્ત્રી વર્ગ છે; જે વ્યક્તિ કે સમાજ દ્વારા શોષાય છે અને પીડાય છે. દરેક સ્ત્રી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી પરિસ્થિતઓ માંથી પસાર થતી હોય છે ત્યારે મૌન નહીં પણ હુંકાર કરવા પ્રેરણા મળે એ જ આ વાર્તાઓનો ઉદેશ્ય છે. ગુજરાતી મિજાજ ચયન કમિટી દ્વારા આ કૉલમને મંજૂરી મળી એ વાતનો મને આનંદ છે. આ કોલમને માધ્યમે આપણે દર અઠવાડિયે નારી કેન્દ્રિત વિવિધ વાર્તાઓથી પરિચિત થઈશું.”

લેખિકા અંજલી સેવક
લેખિકા અને કવિયત્રી અંજલી સેવક, ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિકની ઓફિશિયલ એન્કર અને વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. તેમણે કચ્છ ટેલેન્ટ હન્ટ, ગીતા જયંતી પર્વ, વુમન્સ પર્વ અને મા પર્વ જેવા કાર્યક્રમોમાં સંચાલન કરેલું છે. આ ઉપરાંત તેઓ વિશ્વના સૌથી લાંબા લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ તથા ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ માં પણ સંચાલક છે. આ વૈશ્વિક સાહિત્ય ઉત્સવમાં તેમનું વાર્તાસંગ્રહ ‘હુંકાર કર’ કૃપ પબ્લિશિંગ અંતર્ગત પ્રકાશિત થયું છે. તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના એંકરીંગ એમ્બેસેડર અને સેક્રેટરી છે. તેમજ ગિવ વાચા ફાઉન્ડેશન માં તેઓ એક ‘ગિફ્ટ ઓફ ટાઈમ’ એમ્બેસેડર તરીકે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં સમય અને કૌશલ્ય સાથે સેવા આપે છે.