‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ સાથે પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ કાર્યક્રમની થઈ સદી
હાલમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ નો જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ ઉત્સવમાં પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ ના સો જેટલા કાર્યક્રમો પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી થઈ. જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, માનવતા ગ્રૂપના અગ્રણી શ્રી ગોવિંદભાઇ દનીચા, વરિષ્ઠ શિક્ષક શ્રી એન. કે. ધોરિયા, ડી. વી. હાઇસ્કૂલના સુપરવાઇઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને શ્રી હરિભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
જન્માષ્ટમી કાર્યક્રમમાં ગૂંજે ગીતા ચેમ્પિયન્સ લીગ સ્પર્ધાની થઈ જાહેરાત
કાર્યક્રમની શરૂઆતમાં બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર, ડૉ. પૂજા ઠક્કર અને બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર સાથે કૃપ ગુરુકુલના વિદ્યાર્થીઓ એ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો સહિત સૌ કોઈ શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠનમાં જોડાયા. ગિટાર સાથે સંગીતમય ગીતા અધ્યાય સાંભળી દર્શકો પણ મંત્રમુગ્ધ થયા હતા. આ પ્રસંગે સંસ્થાના આગેવાનો એ જન્માષ્ટમીથી ગીતા જયંતી પર્વ સુધી ચાલનારી ‘ગૂંજે ગીતા ચેમ્પિયન્સ લીગ’ ગીતા અધ્યયન સ્પર્ધાની જાહેરાત કરી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ગૂંજે ગીતાની યાત્રાના સ્વાનુભવ વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે શુભકામનાઓ પાઠવતા શ્રી ત્રિકમદાસજી મહારાજે કહ્યું કે “કલાકાર પરિવારનું આ બેન્ડ જે કાર્ય કરી રહ્યા છે એ સૌ માટે પ્રેરણારૂપ છે. તેમની આ યાત્રા વિવિધ શહેરોમાં થઈને લાખો લોકોના હૃદય સુધી પહોંચી છે ત્યારે ભગવાનનું આ કાર્ય તેના ઉચ્ચતમ મુકામે પહોંચે એવા આશીર્વાદ.” તો ગૂંજે ગીતાની શતક પૂર્ણ કરવાનો આનંદ વ્યક્ત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે “ગિટાર પર ગીતાના વિચાર સાથે એક ઘરથી શરૂ કરેલી આ યાત્રા ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચી. જેને ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, પર્યાવરણ મંત્રી અને ગુજરાત સાહિત્ય અકાદમી પ્રમુખ એ વધાવી લીધી. અંતે ગત સપ્તાહે ગિરનાર મંદિરના પ્રાંગણે માતાજીના આશીર્વાદ સાથે ગૂંજે ગીતાની સદી પૂર્ણ કરવાનું અમને સૌભાગ્ય મળ્યું. હવે આ યાત્રામાં કૃપ ગુરુકુલ અંતર્ગત ગીતા અભ્યાસ કરતી આજની પેઢી પણ જોડાઈ છે ત્યારે આ યાત્રા નિરંતર ચાલતી રહેશે.” તો કૃપ ગુરુકુલ વિષે વાત કરતા આચાર્યા ડૉ. પૂજાએ કહ્યું કે “ગૂંજે ગીતાના વર્ગો થકી બાળકો અને યુવાનો સંગીતમય ગીતા શીખીને આવનારા ગીતા જયંતી પર્વની પૂર્વ તૈયારી કરી રહ્યા છે. આ વર્ગમાં જોડાવવા અમે વાલીઓ અને વડીલોને પણ આમંત્રણ આપીએ છીએ. જેથી પૂરું પરિવાર ગીતાના મહાયજ્ઞમાં જોડાવાનો લાભ લઈ શકે.” વધુમાં શ્રીમતી નયનાબેન એ જણાવ્યું કે “આ બેન્ડ એ ગૂંજે ગીતા સાથે ફક્ત સ્થાનિક કે રાજ્ય કક્ષાએ જ નહીં પરંતુ અદ્યતન ટેકનોલોજી માધ્યમે વૈશ્વિક સ્તરે જે કર્મયોગ કર્યું છે એના પરિણામે તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રતિનિધિ તરીકે માતૃભૂમિનું ગૌરવ બન્યા છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ભગવદ્ ગીતાના વૈશ્વિક એમ્બેસેડર તરીકે ડૉ. કૃપેશ ઠક્કર, ભારતના એમ્બેસેડર તરીકે પર્વ ઠક્કર, ગુજરાતના એમ્બેસેડર તરીકે ડૉ. પૂજા ઠક્કર અને અમેરિકાની એમ્બેસેડર તરીકે વાચા ઠક્કર ડિજિટલ માધ્યમે વૈશ્વિક સ્તરે ગૂંજે ગીતા માટે યોગદાન આપે છે.



