આપની પ્રકૃતિ કઈ છે? વાત, પિત્ત કે કફ? |સ્વસ્થ રહેવા માટે પહેલા આપણી પ્રકૃતિ ઓળખતા શીખીએ. | આયુર્વેદની અટારી
કૉલમ: આયુર્વેદની અટારી | લેખિકા: ડૉ. પૂજા ઠક્કર
શરીર, મન અને આત્માનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કે જેમાં આ ત્રણેય તત્વોની સુસાધ્યતા થકી સ્વસ્થ અને દીર્ઘાયુ રહી શકાય એનું રહસ્ય છે. આ ત્રણ તત્વોમાં વાત, પિત્ત અને કફ એ પ્રકૃતિના ત્રણ દોષ છે જે સ્વાસ્થ્ય જાળવી રાખે છે. હવે કોઈ કારણસર જ્યારે આ દોષની અસમતુલા સર્જાય ત્યારે એ કોઈને કોઈ રોગના સ્વરૂપે બહાર આવે છે. માટે આયુર્વેદ પ્રાથમિકપણે રોગના લક્ષણો કરતાં તેના ઉદ્ભવના કારણ પર મુખ્યરૂપથી કાર્ય કરે છે. ‘આયુર્વેદની અટારી’ થકી આપણે આયુર્વેદની પ્રાથમિક સમજ મેળવી અને સ્વસ્થ રહેવા અને રોગ નિવારવા માટેના ઉપાયો જાણીશું.

સમદોષઃ સમાગ્નિશ્ચ સમધાતુ મલઃ ક્રિયાઃ।
પ્રસન્નાત્મેન્દ્રિયમનઃ સ્વસ્થઈતિઅભિધીયતે।।
(સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન 15/10)
સુશ્રુત સંહિતાના સૂત્રસ્થાન ના 15 માં અધ્યાયના 10 માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે. કે સ્વસ્થ એ વ્યક્તિ છે જેને દોષ, અગ્નિ અને મલક્રિયા સમાન અવસ્થામાં રહે છે. તથા જેનો મન, ઇન્દ્રિય અને આત્મા પ્રસન્ન છે. આયુર્વેદ મુજબ મનુષ્ય શરીર ત્રણ દોષ વાત, પિત્ત અને કફ અને પાંચ મહાભૂત તત્વો જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશથી બન્યું છે. આ ત્રણ દોષોને મનુષ્યના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે આધારભૂત માનવામાં આવે છે.
શું છે વાત, પિત્ત અને કફ?
સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં આ ત્રણે દોષનો અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. કોઈને ‘વાત’ પ્રકૃતિ હોય છે. જેથી તેમને ગેસ કે પાચનને લગતી સમસ્યાઓ હોય છે તો કોઈને પિત્ત પ્રકૃતિ રહેતા એસિડિટી જેવી તકલીફ થાય છે. એક આયુર્વેદ વિશેષજ્ઞ વ્યક્તિના વર્તન કે માનસિક અને ભાવનાત્મક સ્થિતિ પરથી તેની પ્રકૃતિ કે દોષ જાણી શકે છે. પરંતુ આયુર્વેદના પ્રાથમિક જ્ઞાન, આ ત્રણે દોષની પ્રકૃતિ અને આપણી વ્યક્તિગત લાક્ષણિકતાઓ પરથી આપણે જાતે પણ આપણા દોષનું અનુમાન મેળવી શકીએ છીએ. જેના માટે સૌ પ્રથમ આ ત્રણેય દોષને સમજવું જરૂરી છે.
આ પણ વાંચો: ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ સાથે પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ કાર્યક્રમની થઈ સદી
શું છે વાત દોષ?

‘વાત’ સામાન્ય રીતે વાયુ અને આકાશ એ બે તત્વો ધરાવે છે. માટે ‘વાત’ ની પ્રકૃતિ પણ શીતળ, હળવી, રુક્ષ, સૂક્ષ્મ અને તરંગી હોય છે. જે વ્યક્તિમાં ‘વાત’ દોષ વધુ હોય છે તેઓ મોટે ભાગે પાતળા, ઉત્સાહી અને સર્જનાત્મક હોય છે. એક તરફ તેઓ બધાથી અલગ વિચારી શકવાની ક્ષમતા રાખે છે તો બીજી તરફ તેઓ સરળતાથી વિચલિત પણ થઈ જતાં હોય છે. વાત પ્રકૃતિ વાળા લોકોનું સ્વભાવ વાતાવરણ, આસપાસના લોકો અને તેમના ખોરાક પર વધુ આધાર રાખે છે.
વાત પ્રકૃતિ ના ફાયદો એ છે કે આવા લોકો નવી વસ્તુ ઝડપથી શીખી શકે, સર્જનાત્મક પ્રવૃતિઓ સારી રીતે કરી શકે, ઘણા કામ એક સાથે સંભાળી શકે, સ્વભાવે દયાળુ અને નરમ હોય તેમજ સમય કે સંજોગ સાથે સરળતાથી ભળી શકે છે. જ્યારે વાત પ્રકૃતિ માં તેમને ભૂલવાની આદત, બેચેની, અનિદ્રા, નબળું પાચન અને ગેસ જેવી પેટની તકલીફો રહે છે.
શું છે પિત્ત દોષ?

‘પિત્ત’ માં અગ્નિ અને જળ એ બે તત્વોનો સમન્વય હોય છે. પિત્ત પ્રકૃતિમાં સ્નેહ, ઉષ્ણ, તીક્ષ્ણ, આમ્લ અને કટુ જેવા ગુણધર્મો રહેલા છે. પિત્ત પ્રકૃતિના લોકો સ્વભાવે મક્કમ, દ્રઢ નેતૃત્વ વાળા, મજબૂત બાંધાના અને પ્રભાવશાળી હોય છે. તેઓ પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહી ઉત્તમ પરિણામો મેળવી શકે છે. પરંતુ તેમનો ઉગ્ર સ્વભાવ ક્યારેક પડકાર રૂપ બની રહે છે.
પિત્ત પ્રકૃતિના ફાયદા એ છે કે એવા વ્યક્તિ બુદ્ધિશાળી, સ્વ નિર્ભર અને દ્રઢ નેતૃત્વ શક્તિ વાળા હોય છે. તેઓ કોઈ પણ વસ્તુ જલ્દી શીખી શકે અને કૌશલ્યોમાં દક્ષતા કેળવી શકે છે. આવા વ્યક્તિને સફળ થવા માટે ઉચ્ચ મહત્વકાંક્ષાઓ હોય છે. તો પિત્ત દોષ વધુ રહેતા તેમના સ્વભાવમાં અધિરતા, સંઘર્ષની સંભાવના, વધુ પડતી ભૂખ, બળતરા અને ઉગ્રતા જોવા મળે છે.
આ પણ વાંચો: ગાયક કલાકાર હર્નિશ અંજારિયાનું કૃષ્ણ ભક્તિગીત ‘કરામત’ જન્માષ્ટમી નિમિતે વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.
શું છે કફ દોષ?

‘કફ’ પ્રકૃતિમાં પૃથ્વી અને જળ તત્વો રહેલા છે. શીતળતા, મૃદુતા, સ્નેહ, મધુર, સ્થિર અને ગુરુ એ કફ ના ગુણધર્મો છે. કફ પ્રકૃતિ વાળા લોકો મજબૂત બાંધાના અને સશક્ત હાડકાં ધરાવે છે. તેઓ સ્વભાવે હેતાળ, સૌની ધ્યાન રાખવવાળા, સૌને એક તાંતણે બાંધી રાખનાર અને જીવનમાં આરામથી કામ લેનારા હોય છે. તેઓ જલ્દી થી હતાશ થતાં નથી. સહાનુભૂતિ, વિશ્વાસ, પ્રેમ, વ્હાલ, આનંદ અને શાંતિ સહજ રીતે તેમના સ્વભાવમાં હોય છે.
વધુ પડતાં કફ દોષમાં વજન વધવાની સંભાવના, ધીમી ચયાપચય, સુસ્તી, વધુ પડતી ઊંઘ, શ્વાસની સમસ્યાઓ (એટલે કે, અસ્થમા, એલર્જી), હૃદયરોગનું ઊંચું જોખમ, કફ જમા થવું અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ જોવા મળે છે.
For consultation, DM on Instagram: @drpoojathacker